લંડન
હડતાળોમાં કેટલાક સેક્ટરમાં લઘુતમ કામગીરી ચાલુ રહે તે માટેના કાયદાને હાઉસ ઓફ કોમન્સે મંજૂરી આપી દીધી છે. આ કાયદા અંતર્ગત રેલવે સહિતની ઇમર્જન્સી સેવાઓમાં હડતાળ દરમિયાન કેટલાક કર્મચારીઓએ કામગીરી ચાલુ રાખવી પડશે. હાઇસ ઓફ કોમન્સમાં આ ખરડો 315 વિરુદ્ધ 246 મતે પસાર કરાયો હતો. હવે તેને ચકાસણી માટે હાઉસ ઓફ લોર્ડ્સમાં મોકલી અપાશે.
લેબર પાર્ટીએ જણાવ્યું હતું કે, આ કાયદો નોકરીમાંથી અન્યાયી બરખાસ્તગી સામે મળતા સંરક્ષણને હટાવી દેશે. સેક્રેટરી ઓફ સ્ટેટને મહત્વના કામદારોને પોતાની ઇચ્છા પ્રમાણે નોકરીમાંથી હાંકી કાઢવાની સત્તા આપશે.
સરકાર દ્વારા પસાર કરાયેલા કાયદાની યુનિયનો દ્વારા પણ આકરી ટીકા કરાઇ છે. યુનિયનોએ જણાવ્યું છે કે આ કાયદો તેમના હડતાળના અધિકાર પર હુમલો છે. જો આ કાયદો પસાર કરી દેવાશે તો અમે તેને અદાલતમાં પડકાર આપીશું.
બિઝનેસ સેક્રેટરી કેવિન હોલિનરેકે જણાવ્યું હતું કે, આ કાયદો સપ્રમાણ અને સંવેદનશીલ છે. આપણે હડતાળ અને રોજિંદા જીવન વચ્ચે સંતુલન સાધવાનું છે.
જોકે આ કાયદાની હાલમાં ચાલી રહેલી હડતાળો પર કોઇ અસર નહીં પડે કારણ કે હજુ હાઉસ ઓફ લોર્ડ્સ દ્વારા તેને મંજૂરી અપાવાની બાકી છે.


