લંડન
ડિસેમ્બર મહિનામાં રેલવેથી માંડીને નર્સો સહિત વિવિધ વિભાગોની હડતાળોને કારણે દેશમાં જનજીવન ખોરવાતું અટકાવવા વડાપ્રધાન રિશી સુનાક નવા ઇમર્જન્સી અધિકારોની વિચારણા કરી રહ્યાં છે. તેમણે કેબિનેટના મંત્રીઓને હડતાળો અટકાવવા માટે વધુ વિકલ્પો રજૂ કરવા સૂચના આપી છે. હડતાળો અટકાવવા માટે રિશી સુનાક કડક પગલાં લેવાની સાથે સંસદમાં કાયદો પણ લાવી શકે છે. સરકાર મહત્વની સેવાઓ ખોરવાતી અટકાવવા એજન્સી વર્કર્સ અને સેનાનો ઉપયોગ કરે તેવી પણ સંભાવના છે. ઇમિગ્રેશન અને બોર્ડર પરની સેવાઓ ખોરવાતી અટકાવવા માટે 600 કરતા વધુ સેનાના જવાનોને તાલીમ આપીને તૈયાર કરવામાં આવી રહ્યાં છે. કેબિનેટ ઓફિસના જણાવ્યા અનુસાર એરપોર્ટ અને બંદરો પર કામગીરી માટે 2000 સેનાના જવાનો અને સરકારી કર્મચારીઓને તાલીમ આપવામાં આવી રહી છે. સરકાર ટ્રાન્સપોર્ટ, હેલ્થ, એજ્યુકેશન, પોસ્ટ જેવા વિભાગોને સૌથી વધુ અસર થવાની હોવાથી સંખ્યાબંધ વિકલ્પો પર વિચારણા કરી રહી છે. નર્સોની હડતાળ સામે સરકાર એનએચએસના ખાનગીકરણ જેવા પગલાં ઉઠાવી શકે છે. કેમિસ્ટોને નાના રોગોમાં નિદાન કરી દવા આપવાની પરવાનગી પણ અપાઇ શકે છે. હડતાળો સામે કડક હાથે કામ લેવા વડાપ્રધાન રિશી સુનાક સંસદના માધ્યમથી ઇમર્જન્સી અધિકારો હાંસલ કરવાની તૈયારી કરી રહ્યાં છે. તેઓ હડતાળ વિરોધી કાયદા લાવે તેવી સંભાવના છે. ક્રિસમસના તહેવાર પહેલાં બ્રિટનમાં વિવિધ સેક્ટરના કર્મચારીઓ દ્વારા શ્રેણીબદ્ધ હડતાળોનું આયોજન કરાયું છે. રેલવે કર્મચારીઓ, નર્સોથી માંડીને ટપાલ કર્મચારીઓ તહેવારની સીઝનમાં પગારવધારા સહિતની અન્ય માગો સાથે હડતાળનું આયોજન કરી ચૂક્યાં છે. આવો જોઇએ ડિસેમ્બરમાં ક્યાં કેવી હડતાળનું આયોજન કરાયું છે.
ડિસેમ્બરમાં હડતાળોની ભરમાર
1 ડિસેમ્બર – રોયલ મેઇલ, લંડનમાં એબેલિઓ પરના બસ ડ્રાઇવરની 3 દિવસની હડતાળનો પ્રારંભ
2 ડિસેમ્બર – ઇસ્ટ મિડલેન્ડ્સ રેલવેના કામદારોની બે દિવસની હડતાળનો પ્રારંભ
3 ડિસેમ્બર – રેલવે અને બસ ડ્રાઇવરોની હડતાળ જારી
4 ડિસેમ્બર – હડતાળ વિનાનો દિવસ
5 ડિસેમ્બર – જીફોરએસ કેશના જીએમબી યુનિયનના કર્મચારીઓની 48 કલાકની હડતાળનો પ્રારંભ
7 ડિસેમ્બર – સ્કોટિશ સેકન્ડરી ટીચર્સ એસોસિએશન અને અન્ય ટીચર્સ એસોસિએશનની હડતાળ
8 ડિસેમ્બર – લંડનમાં મેટ્રોલાઇનના બસ ડ્રાઇવરોની હડતાળનો પ્રારંભ
9 ડિસેમ્બર – રોયલ મેઇલ અને એબેલિયોના બસ ડ્રાઇવરોની હડતાળનો પ્રારંભ
11 ડિસેમ્બર – રોયલ મેઇલ અને આરએમટી અવન્તી વેસ્ટ કોસ્ટ રેલવેના કર્મચારીઓની બે દિવસની હડતાળનો પ્રારંભ
13 ડિસેમ્બર – આરએમટી રેલવે કર્મચારીઓની બે દિવસની હડતાળનો પ્રારંભ, પીસીએસ સિવિલ સર્વન્ટ યુનિયનની હડતાળ, ડ્રાઇવર એન્ડ વ્હિકલ સ્ટાન્ડર્ડ એજન્સીના કર્મચારીઓની 48 કલાકની હડતાળ
15 ડિસેમ્બર – લંડનમાં મેટ્રોલાઇનના ડ્રાઇવર, એનએચએસની નર્સ, રૂરલ પેમેન્ટ એજન્સીના કર્મચારીઓની હડતાળ
16 ડિસેમ્બર – આરએમટી રેલ, એબેલિયો અને મેટ્રોલાઇનના બસડ્રાઇવર, ડ્રાઇવર અને વ્હિકલ સ્ટાન્ડર્ડ એજન્સી, રૂરલ પેમેન્ટ એજન્સીના કર્મચારીઓની હડતાળ
17 ડિસેમ્બર - આરએમટી રેલ, એબેલિયો અને મેટ્રોલાઇનના બસડ્રાઇવર, ડ્રાઇવર અને વ્હિકલ સ્ટાન્ડર્ડ એજન્સીની હડતાળ
18 ડિસેમ્બર - ડ્રાઇવર અને વ્હિકલ સ્ટાન્ડર્ડ એજન્સીની હડતાળ
19 ડિસેમ્બર - ડ્રાઇવર અને વ્હિકલ સ્ટાન્ડર્ડ એજન્સીની હડતાળ
20 ડિસેમ્બર – એનએચએસ નર્સ અને ડ્રાઇવર અને વ્હિકલ સ્ટાન્ડર્ડ એજન્સીની હડતાળ
21 ડિસેમ્બર - ડ્રાઇવર અને વ્હિકલ સ્ટાન્ડર્ડ એજન્સીની હડતાળ
22 ડિસેમ્બર - ડ્રાઇવર અને વ્હિકલ સ્ટાન્ડર્ડ એજન્સીની હડતાળ
23 ડિસેમ્બર – ઇસ્ટ મિડલેન્ડ્સ રેલવે અને ડ્રાઇવર અને વ્હિકલ સ્ટાન્ડર્ડ એજન્સીની હડતાળ
24 ડિસેમ્બર – ઇસ્ટ મિડલેન્ડ્સ રેલવે અને ડ્રાઇવર અને વ્હિકલ સ્ટાન્ડર્ડ એજન્સીની હડતાળ


