હડતાળોથી વર્ષ 2023નો પ્રારંભ, રેલવેની હડતાળથી રેલનેટવર્ક ઠપ થયું

દર પાંચમાંથી 4 ટ્રેન રદ, હજારો પ્રવાસીઓએ હાડમારીનો સામનો કર્યો

Wednesday 04th January 2023 06:00 EST
 
 

લંડન

2023ના નવા વર્ષના પ્રારંભ સાથે બ્રિટનમાં હડતાળોનો સિલસિલો જારી રહ્યો છે. 3 જાન્યુઆરીથી પાંચ દિવસની નેશનલ રેલ સ્ટ્રાઇકનો પ્રારંભ થતાં બ્રિટનનું રેલવે નેટવર્ક ધરાશાયી થયું હતું. દર પાંચમાંથી ચાર ટ્રેન રદ થઇ જતાં પ્રવાસીઓને ભારે હાડમારીનો સામનો કરવો પડ્યો હતો. પ્રવાસીઓને અત્યંત આવશ્યક હોય તો જ ટ્રેન પ્રવાસનો પ્રયાસ કરવાની અપીલ કરવામાં આવી હતી. રેલ, મેરીટાઇમ અને ટ્રાન્સપોર્ટ યુનિયનના કર્મચારીઓ દ્વારા 48 કલાકની બે હડતાળનો મંગળવારથી પ્રારંભ કરાયો હતો. શુક્રવારથી ફરી 48 કલાકની હડતાળનો પ્રારંભ કરાશે. આ હડતાળમાં નેટવર્ક રેલ અને 14 ટ્રેન ઓપરેટર્સના કર્મચારીઓ સામેલ થયાં હતાં. તે ઉપરાંત આરએમટીના 40,000 સિગ્નલિંગ કર્મચારી પણ આ હડતાળમાં જોડાયાં હતાં. વેલ્સ, સ્કોટલેન્ડ અને ઇંગ્લેન્ડમાં રેલવે સેવાઓ ઠપ થઇ હતી. ગુરુવારથી એસલેફ યુનિયનના કર્મચારીઓ પણ 24 કલાકની હડતાળમાં સામેલ થતાં રેલવે સેવાઓના બૂરા હાલ થયાં હતાં.

આ પહેલાં ડિસેમ્બરમાં 3 સપ્તાહ સુધી રેલવેની હડતાળો જારી રહેતાં ક્રિસમસની સીઝનમાં પ્રવાસીઓને ભારે હાડમારીનો સામનો કરવો પડ્યો હતો. રેલવેના કર્મચારીઓની પગાર અને વર્કિંગ કન્ડિશનની માગો અંગે કોઇ ઉકેલ ન આવતાં રેલવે કર્મચારીઓની હડતાળો લાંબા સમય સુધી જારી રહે તેવી સંભાવના છે. આરએમટીના જનરલ સેક્રેટરી માઇક લિન્ચે આરોપ મૂક્યો છે કે મધ્ય ડિસેમ્બર બાદ સરકાર સાથે કોઇ મંત્રણા થઇ નથી અને સરકાર અમારી હડતાળો પ્રત્યે આંખ આડા કાન કરી રહી છે.

બીજીતરફ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ લિન્ચના દાવાને નકારી કાઢતાં જણાવ્યું હતું કે, રેલવે મિનિસ્ટર તમામ પક્ષકારો સાથે સતત સંપર્કમાં છે અને સરકારે હડતાળ સમેટવા માટેની મંત્રણા કરવા નોંધપાત્ર પગલાં ભર્યા છે. યુનિયનોએ મંત્રણા શરૂ કરવા હડતાળ પાછી ખેંચી લેવી જોઇએ.

આગામી સપ્તાહમાં હડતાળોની ભરમાર

7 જાન્યુઆરી 2023

-          આરએમટીની દેશવ્યાપી ટ્રેન સ્ટ્રાઇક

-          નેશનલ હાઇવેના કામદારોની હડતાળ

-          ડ્રાઇવિંગ એક્ઝામિનર્સની હડતાળ

8 જાન્યુઆરી 2023

-          ડ્રાઇવિંગ એક્ઝામિનર્સની હડતાળ

9 જાન્યુઆરી 2023

-          ડ્રાઇવિંગ એક્ઝામિનર્સની હડતાળ

-          આરપીએની હડતાળ

10 જાન્યુઆરી 2023

-          એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુટ ઓફ સ્કોટલેન્ડની હડતાળ

-          ડ્રાઇવિંગ એક્ઝામિનર્સની હડતાળ

-          આરપીએની હડતાળ

11 જાન્યુઆરી 2023

-          ઇઆઇએસ અને સ્કોટિશ સેકન્ડરી ટીચર્સ એસોસિએશનની હડતાળ

-          આરપીએની હડતાળ

-          જીએમબીની એમ્બ્યુલન્સ કર્મચારીઓના સમર્થનમાં હડતાળ

12 જાન્યુઆરી 2023

-          આરપીએની હડતાળ યથાવત

13 જાન્યુઆરી 2023

-          આરપીએની હડતાળ યથાવત


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter