લંડન
સુનાક સરકારના મંત્રીઓનું માનવું છે કે હડતાળ પર જઇ રહેલા યુનિયનોના ભંડોળ ઝડપથી ઘટી રહ્યાં છે. હડતાળના કારણે યુનિયનોને લાખો પાઉન્ડનો ખર્ચ થઇ રહ્યો છે તેથી હવે કેટલાક યુનિયન તો જાહેર જનતા પાસે દાનની માગ પણ કરી રહ્યાં છે. સરકારના ટોચના સૂત્રોના જણાવ્યા અનુસાર હડતાળમાં જોડાતા કર્મચારીઓને સ્ટ્રાઇક પે અને હાર્ડશિપ ફંડિંગ કરતા રહેવું યુનિયનોને પોસાય તેમ નથી. આગામી થોડા જ મહિનામાં કેટલાક યુનિયનો પાસે હડતાળ માટે ભંડોળ જ ઉપલબ્ધ નહીં હોય. જોકે કેટલાક યુનિયનોએ મંત્રીઓ દ્વારા કરાતી ટિપ્પણીઓને વખોડી કાઢી છે. તેમણે આરોપ મૂક્યો છે કે કેટલાક મંત્રીઓ મંત્રણાઓ ખોરવી નાખવા માટે પ્રયાસ કરી રહ્યાં છે. અમારી પાસે પૂરતાં ભંડોળ છે અને અમારી હડતાળો મહિનાઓ સુધી ચાલુ રહી શકે છે.
યુનિયનો દ્વારા હડતાળમાં જોડાતા કર્મચારીઓને પ્રતિ દિવસ 50 પાઉન્ડ સ્ટ્રાઇક પે ચૂકવવામાં આવે છે. પબ્લિક એન્ડ કોમ્યુનિકેશન સર્વિસિઝ યુનિયન સ્ટ્રાઇક પે પેટે પ્રતિ માસ 1 મિલિયન પાઉન્ડ ચૂકવી રહ્યું છે. આ યુનિયન પાસે કુલ 4 મિલિયન પાઉન્ડનું સ્ટ્રાઇક ફંડ છે. રોયલ કોલેજ ઓફ નર્સિંગ પાસે 50 મિલિયન પાઉન્ડનું સ્ટ્રાઇક ફંડ છે. આ યુનિયનને એક દિવસની સ્ટ્રાઇક પાંચ મિલિયન પાઉન્ડમાં પડે છે.
રેલવેના આરએમટી યુનિયન પાસે 18.6 મિલિયન પાઉન્ડનું સ્ટ્રાઇક ફંડ છે. જોકે આ યુનિયન દ્વારા સ્ટ્રાઇક પે ચૂકવવામાં આવતો નથી.
યુનિયનોની રિશી સુનાક સામે કાયદાકીય પગલાંની ધમકી
રિશી સનાક દ્વારા તૈયાર કરવામાં આવી રહેલા હડતાળ વિરોધી કાયદાઓ માટે યુનિયન વડાપ્રધાન સામે કાયદાકીય પગલાં લેવાની તૈયારી કરી રહ્યાં છે. સરકાર કાયદા દ્વારા પબ્લિક ટ્રાન્સપોર્ટ સહિતની જાહેર સેવાઓમાં લઘુત્તમ સેવાના સ્તરને ફરજિયાત બનાવવા માગે છે. આ કાયદાના દાયરામાં એનએચએસના કર્મચારીઓ, એમ્બ્યુલન્સ સ્ટાફ, શિક્ષકો, બોર્ડર ફોર્સ અને ફાયર સેવાઓને પણ સમાવી લેવામાં આવશે.


