લંડનઃ 1997ના એક હત્યા કેસમાં ખોટી રીતે ફસાયેલા ભારતીય ઉદ્યોગપતિની વિધવાએ સ્કોટિશ સત્તાવાળાઓ સામે કાનૂની કાર્યવાહી કરવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મદદ માંગી છે.
સૌગત મુખર્જી નામના આ વ્યક્તિનું 2023માં 44 વર્ષની વયે મુંબઈમાં નિધન થયું હતું. નોંધનીય છે કે તેમના મૃત્યુના લગભગ ચાર વર્ષ પહેલા જ ગ્લાસગોમાં ટ્રેસી વાઈલ્ડના અસલી હત્યારાની ધરપકડ થઈ ચૂકી હતી. સૌગતની પત્ની સપના મુખર્જીએ આક્ષેપ કર્યો છે કે આ ખોટા આરોપને કારણે તેમના પતિનું જીવન બરબાદ થઈ ગયું હતું. હવે તેઓ વળતર અને આ મામલે ભારત સરકાર દ્વારા તપાસની માંગ કરી રહ્યા છે.
સપના મુખર્જીના જણાવ્યા અનુસાર, 2014માં જ્યારે સૌગતને ખબર પડી કે સ્કોટલેન્ડ પોલીસ તેમને એક દાયકા જૂની હત્યાના કેસમાં શોધી રહી છે, ત્યારે તેઓ એક સફળ કારકિર્દી ધરાવતા હતા. આ સમાચાર બાદ ત્રણ બાળકોના પિતા એવા સૌગતનું જીવન વેરવિખેર થઈ ગયું. તેમને 2015માં ધરપકડ કરી મુંબઈની જેલમાં ત્રણ અઠવાડિયા સુધી રાખવામાં આવ્યા હતા. આરોપોને કારણે સૌગત ગંભીર ડિપ્રેશનનો શિકાર બન્યા અને જાન્યુઆરી 2023માં લીવર સિરોસિસને કારણે તેમનું અવસાન થયું.
2018માં એક ડીએનએ ટેસ્ટને કારણે અસલી હત્યારા ઝી મીન ચેનની ધરપકડ કરવામાં આવી હતી. ચેને પોતાનો ગુનો કબૂલ્યો અને તેને જેલની સજા ફટકારવામાં આવી. જોકે, સૌગતના પરિવારે પ્રશ્ન ઉઠાવ્યો છે કે જ્યારે સૌગતના ડીએનએ ઘટનાસ્થળે મળેલા નમૂનાઓ સાથે મેચ નહોતા થયા, તો તેમને નિર્દોષ જાહેર કરવામાં ચાર વર્ષનો સમય કેમ લાગ્યો? હાલમાં, મુખર્જી પરિવાર ન્યાય અને આર્થિક વળતર માટે આંતરરાષ્ટ્રીય સ્તરે લડત આપવાની તૈયારી કરી રહ્યો છે.

