લંડનઃ એકતરફ કન્ઝર્વેટિવ પાર્ટીમાં બ્રિટનના વડાપ્રધાન રિશી સુનાકને હટાવવાની કવાયતે જોર પકડ્યું છે તો બીજીતરફ સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર હમઝા યુસફને પદ પરથી રાજીનામુ આપવું પડ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, સ્કોટલેન્ડ નેશનાલિસ્ટ પાર્ટી, સરકાર અને દેશ માટેના શ્રેષ્ઠ હિત અંગે વિચારણા કર્યા પછી મેં આ નિર્ણય કર્યો છે. રાજકીય વિભાજનમાં સંબંધો સુધારવા માટે અન્ય કોઇ નેતાએ નેતૃત્વ લેવું પડશે. ગ્રીન પાર્ટી સાથે એસએનપીની સત્તાની વહેંચણીની સંધિ ભાંગી પડતા યુસફને રાજીનામુ આપવાની ફરજ પડી હતી.
પર્યાવરણ મામલે સર્જાયેલા મતભેદોના કારણે ગ્રીન પાર્ટીએ સમર્થન પાછુ ખેંચી લેતાં હમઝાની સરકાર લઘુમતીમાં આવી ગઇ હતી. હમઝાએ સ્વીકાર્યું હતું કે, મારા પગલાના કારણે ગ્રીન પાર્ટીને થયેલા નુકસાનને મેં હળવાશથી લીધું હતું. તેથી મેં એસએનપીના નેશનલ સેક્રેટરીને પાર્ટીના નેતાપદેથી રાજીનામુ આપવા અંગે જાણ કરી દીધી છે.
નિકોલા સ્ટર્જિયોનના રાજીનામાના 13 મહિના બાદ હમઝાને પણ રાજીનામુ આપવાની ફરજ પડી છે. હમઝા યુસફ સ્કોટલેન્ડના પ્રથમ વંશીય લઘુમતી સમુદાયના ફર્સ્ટ મિનિસ્ટર બન્યાં હતાં અને પ્રથમ મુસ્લિમ હતા જેમણે યુકેમાં એક મોટી રાજકીય પાર્ટીનું નેતૃત્વ કર્યું હતું.


