લંડન
હમઝા યુસુફે 29 માર્ચ 2023ના બુધવારના રોજ સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર તરીકે શપથ ગ્રહણ કર્યાં હતાં. આ સાથે તેઓ પશ્ચિમ યુરોપ અને સ્કોટલેન્ડમાં સરકારના વડા બનનારા પ્રથમ મુસ્લિમ બન્યાં છે. હમઝાના શપથ સાથે હવે યુકેમાં પહેલીવાર સરકારના વડાપદે એશિયન મૂળના બે વ્યક્તિ આરૂઢ થઇ ગયાં છે. બ્રિટનના વડાપ્રધાન તરીકે ભારતીય મૂળના રિશી સુનાક સફળ કામગીરી કરી રહ્યાં છે જ્યારે હમઝા યુસુફ પાકિસ્તાની મૂળના છે. તે ઉપરાંત 37 વર્ષીય હમઝા યુસુફ સ્કોટિશ નેશનલ પાર્ટીના સૌથી યુવા નેતા પણ બન્યાં છે.
શપથ ગ્રહણ બાદ હમઝા યુસુફે તેમની કેબિનેટની જાહેરાત કરી હતી જેમાં મહિલાઓ બહુમતીમાં છે અને અડધા કરતા વધુ મંત્રીઓ 40 વર્ષથી ઓછી વયના છે. જોકે એસએનપીના નેતાપદની રેસમાં હમઝાને પડકાર આપનાર કેટ ફોર્બ્સે કેબિનેટમાં ઉતરતું સ્થાન અપાવાના કારણે સરકારમાં સામેલ થવાનો ઇનકાર કરી દીધો હતો.
એડિનબરોમાં કોર્ટ ઓફ સેશન ખાતે શપથ ગ્રહણ કર્યા પછી હમઝઆ યુસુફે જણાવ્યું હતું કે, અમે બાળગરીબી નબૂદ કરવા, સરકારી સેવાઓમાં સુધારો કરવા અને વધુ પર્યાવરણલક્ષી અર્થતંત્રને પ્રાથમિકતા આપીશું. હમઝાએ શોના રોબિનસનને ફાઇનાન્સ મિનિસ્ટર તરીકે જવાબદારી સોંપી છે જ્યારે નીલ ગ્રેને ઇકોનોમી, ફેર વર્ક અને એનર્જી મંત્રાલય સોંપાયા છે. માયરી મેકએલનને ટ્રાન્ઝિશન સેક્રેટરી, જેની ગિલરુથને એજ્યુકેશન સેક્રેટરી નિયુક્ત કરાયાં છે. માઇકલ મેથસનને આરોગ્ય વિભાગનો હવાલો સોંપાયો છે.


