લંડનઃ વડાપ્રધાન રિશી સુનાકે તેમના ભારતીય સમકક્ષ નરેન્દ્ર મોદી સાથે ટેલિફોન પર પશ્ચિમ એશિયામાં પ્રવર્તી રહેલા તણાવને તાત્કાલિક ઘટાડવાની જરૂરીયાત પર ચર્ચા કરી હતી અને ઇઝરાયેલ પર હમાસ દ્વારા કરાયેલા હુમલાની સખ્ત શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. ડાઉનિંગ સ્ટ્રીટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, બંને નેતાઓએ એ બાબત પર ભારત મૂક્યો હતો કે હમાસ પેલેસ્ટાઇનના લોકોનું પ્રતિનિધિત્વ કરતું નથી.
પ્રવક્તાએ જણાવ્યું હતું કે, રિશી સુનાકે ગાઝામાં નિર્દોષ નાગરિકોની સુરક્ષા અને તેમને અવિરત માનવીય સહાય મળતી રહે તેના પર ભાર મૂક્યો હતો.
મોદી અને સુનાકે હાલમાં ભારત અને યુકે વચ્ચે ચાલી રહેલી મુક્ત વેપાર કરાર પરની મંત્રણાઓમાં થયેલી પ્રગતિની પણ સમીક્ષા કરી હતી. બંને નેતા આ મહત્વના કરારને પાર પાડવા સહમત થયાં હતાં. બંને નેતાએ ભારતમાં હાલ ચાલી રહેલા ક્રિકેટ વિશ્વકપ પર ચર્ચા કરી હતી. સુનાકે મોદીને ભારતના મજબૂત દેખાવ માટે અભિનંદન આપ્યાં હતાં.


