લંડનઃ હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેને ઇઝરાયેલ પરના હુમલાના સંદર્ભમાં યુકેના યહૂદી સમુદાયને પરેશાન કરવાના પ્રયાસ અથવા તો હમાસના સમર્થનમાં કરાતા દેખાવો સામે કડક હાથે કામ લેવા પોલીસ વડાઓને આદેશ આપ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, આતંકવાદના સમર્થનમાં બ્રિટનની સડકો પર પેલેસ્ટાઇનનો ઝંડો ફરકાવવા દેવો જોઇએ નહીં.
ઇંગ્લેન્ડ અને વેલ્સના પોલીસ વડાઓને લખેલા પત્રમાં બ્રેરમેને જણાવ્યું હતું કે, અગાઉ થયેલા અનુભવ પ્રમાણે જ્યારે પણ ઇઝરાયેલ પર હુમલો થયો છે ત્યારે કટ્ટરવાદીઓ અને અન્ય રેસિસ્ટ લોકો ઇઝરાયેલ દ્વારા પોતાની સુરક્ષા માટે લેવાયેલા પગલાંનો બ્રિટિશ યહૂદીઓ સામે ધિક્કાર ફેલાવવા ઉપયોગ કરે છે અને તેના કારણે યહૂદી સમુદાયમાં ભય વધે છે.
બ્રેવરમેને જણાવ્યું હતું કે, સામુદાયિક તણાવ વધારે તેવા કોઇપણ પ્રકારના દેખાવો સામે પોલીસ કડક હાથે કામ લે જેથી સમુદાયો પોતે સુરક્ષિત હોવાનું અનુભવી શકે.
હમાસ સમર્થકોએ શેફિલ્ડ ટાઉન સેન્ટર પરથી ઇઝરાયેલી ધ્વજ ઉતારી પેલેસ્ટાઇનનો ઝંડો ફરકાવ્યો
લંડનઃ હમાસ અને ઇઝરાયેલ વચ્ચેના સંઘર્ષના પડઘા યુકેમાં પણ પડી રહ્યાં છે. પેલેસ્ટાઇન અને હમાસના સમર્થકો દ્વારા શેફિલ્ડ ટાઉન હોલ પર ફરકાવાયેલા ઇઝરાયેલના રાષ્ટ્રધ્વજને ઉતારીને પેલેસ્ટાઇનનો ઝંડો ફરકાવી દેવામાં આવ્યો હતો. ટાઉનહોલ પાસે એકત્ર થયેલા પેલેસ્ટાઇન સમર્થકો પૈકીના બે બિલ્ડિંગ પર ચડી ગયા હતા અને હમાસ સમર્થકોની ચિચિયારીઓ વચ્ચે ઇઝરાયેલના ધ્વજને ઉતારી પેલેસ્ટાઇનનો ઝંડો ફરકાવ્યો હતો.


