હમાસના હુમલામાં 4 બ્રિટિશના મોત, અનેક લાપતા

બ્રિટિશ યહૂદી સમુદાયને સુરક્ષા આપવા અને યુકેમાં હમાસનું સમર્થન કરનારા સામે પગલાં લેવા સુનાકનો આદેશ

Tuesday 10th October 2023 15:21 EDT
 
 

લંડનઃ અહેવાલો પ્રમાણે હમાસના હુમલામાં 10થી વધુ બ્રિટિશ નાગરિકના મોત થયાં છે અથવા તો લાપતા બન્યાં છે. એવી પણ શંકા સેવાઇ રહી છે કે હમાસના આતંકવાદીઓ દ્વારા બ્રિટિશ નાગરિકોના અપહરણ કરાયાં છે. હમાસ દ્વારા કરાયેલા હુમલામાં ઇઝરાયેલી મિલિટરી સાથે કામ કરતા બ્રિટિશ નાગરિક નાથાનેલ યંગનું મોત થયું હતું. હમાસના હુમલામાં બ્રિટિશ ફોટોગ્રાફર ડેન ડાર્લિંગ્ટનનું મોત થયું હતું તે ઉપરાંત જેક માર્લોવ લાપતા છે. ગ્લાસગોમાં જન્મેલા અને ઇઝરાયેલમાં સ્થાયી થયેલા બર્નાડ કોવનની હમાસના આતંકવાદીઓએ હત્યા કરી નાખી છે. ઇઝરાયેલમાં આયોજિત સંગીત સમારોહ પર હમાસ દ્વારા કરાયેલા હુમલામાં બ્રિટિશ નાગરિક સેવિઓન કાઇપરનું મોત થયું છે જ્યારે તેના સાથી ડોર શાફિરની કોઇ ભાળ મળી નથી.

વડાપ્રધાન રિશી સુનાકે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુને ફોન પરની વાતચીતમાં જણાવ્યું હતું કે બ્રિટન ઇઝરાયેલની પડખે ઊભો છે. હમાસ દ્વારા ઇઝરાયેલ પર કરાયેલા હુમલા સામે વિશ્વ એક અવાજે વિરોધ નોંધાવે તે અમે સુનિશ્ચિત કરી રહ્યાં છીએ.

સુનાકે જણાવ્યું હતું કે, હમાસના આતંકવાદી કૃત્ય સામે યુકે ઇઝરાયેલની સાથે છે. ઇઝરાયેલને જરૂરી તમામ સહાય કરવા અમે તૈયાર છીએ. ઇઝરાયેલના વડાપ્રધાન નેતાન્યાહુએ યુકેના સમર્થન માટે વડાપ્રધાન સુનાકનો આભાર માન્યો હતો.

વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, ઇઝરાયેલમાં હુમલો કરનારા હમાસના આતંકવાદીઓ સામે પગલાં લેવા બ્રિટિશ ઇન્ટેલિજન્સ ઇઝરાયેલની મદદ કરશે. તેમણે ઉમેર્યું હતું કે, હિંસાનો અંત લાવવા માટે આંતરરાષ્ટ્રીય કાયદાના દાયરામાં પગલાં લેવાનો ઇઝરાયેલને સંપુર્ણ અધિકાર છે.

લંડનમાં યહૂદી રેસ્ટોરન્ટમાં તોડફોડ, પોલીસને એલર્ટના આદેશ

ઇઝરાયેલમાં હમાસના હુમલા બાદ ઉત્તર પશ્ચિમ લંડનના એક યહૂદી રેસ્ટોરન્ટમાં તોડફોડ કરાઇ હતી. ગોલ્ડર્સ ગ્રીનમાં આવેલા યહૂદી રેસ્ટોરન્ટના દરવાજાના કાચ તોડી નંખાયા હતા. પોલીસને શંકા છે કે આ એક એન્ટી સેમેટિક હુમલો હતો. રેસ્ટોરન્ટમાંથી કેશ રજિસ્ટરની ચોરી કરાઇ હતી. બીજીતરફ આ પ્રકારના હેટ ક્રાઇમને અટકાવવા માટે લંડન પોલીસને એલર્ટ પર મૂકી દેવાઇ છે. પોલીસે ચાંપતો બંદોબસ્ત શરૂ કરી દીધો છે.

હું તમારી સાથે છુઃ યહૂદી સમુદાયને સુનાકની હૈયાધારણ

ઇઝરાયેલમાં હમાસના આતંકવાદી હુમલા બાદ વડાપ્રધાન સુનાકે યુકેમાં વસતા યહૂદીઓને આશ્વાસન આપતાં જણાવ્યું હતું કે હું તમારી સાથે છું. તમે સુરક્ષિત અનુભવો તે માટે અમે જરૂર તમામ પગલાં લઇ રહ્યાં છીએ. દેશમાં એન્ટીસેમેટિક હુમલામાં વધારો જોવા મળી રહ્યો છે તેથી સમગ્ર દેશમાં પોલીસ દ્વારા પગલાં લેવામાં આવી રહ્યાં છે. વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું છે કે યુકેમાં હમાસનું સમર્થન કરનાર કોઇપણ વ્યક્તિને જવાબદાર ગણાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter