લંડનઃ હાઉસ કોમન્સમાં ઇઝરાયેલ-હમાસ સંઘર્ષ પર નિવેદન આપતાં વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, ઇઝરાયેલ પરના હમાસના આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 6 બ્રિટિશ નાગરિકનાં મોત થયાં છે અને હજુ 10 લાપતા છે. તેમાંથી કેટલાંકના મોત થયાં હોવાનો ભય સેવાઇ રહ્યો છે. આપણે હમાસના કૃત્યને નરસંહાર કહી શકીએ છીએ. વડાપ્રધાને હમાસ દ્વારા બંધક બનાવાયેલા તમામ લોકોને તાત્કાલિક મુક્ત કરવાની માગ કરતાં જણાવ્યું હતું કે, અમે ઇઝરાયેલની પડખે ઊભા છીએ.
યુકેમાં વસતા યહૂદી સમુદાયને સંદેશ આપતાં સુનાકે જણાવ્યું હતું કે, યહૂદી લોકોને સુરક્ષિત વતન આપવાના હેતૂ પર હુમલો કરીને અત્યાચાર કરાયો છે. ઇઝરાયેલ પર હમાસના હુમલા બાદ યુકેમાં એન્ટીસેમેટિક હુમલાઓમાં વધારો થયો છે જે અસ્વીકાર્ય છે. અમે યહૂદી સમુદાયની સુરક્ષા માટે બનતા તમામ પ્રયાસ કરીશું.
ઇઝરાયેલને પણ સંયમ રાખવાના એક સાંસદના સૂચન પર વડાપ્રધાને જવાબ આપ્યો હતો કે પોતાની સુરક્ષા કરવાના ઇઝરાયેલના અધિકારને અમે સમર્થન આપીએ છીએ પરંતુ સાથે સાથે અમે નાગરિકોને નુકસાન ન થાય તેની સાવચેતી રાખવા ઇઝરાયેલને અપીલ કરીશું. આ મામલે મારે ઇઝરાયેલના વડાપ્રધાન નેતાન્યાહુ સાથે પણ વાત થઇ છે.
લેબર સાંસદ અફઝલ ખાને મુસ્લિમો પ્રત્યે વધી રહેલા ધિક્કારનો મુદ્દો ઉઠાવતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, આ મુશ્કેલ સમયમાં અમે બ્રિટિશ મુસ્લિમ સમુદાયની સાથે જ છીએ. અમે કોઇપણ સ્વરૂપમા મુસ્લિમ ધિક્કારને સ્વીકારીશું નહીં. આ મુશ્કેલ સમયમાં સરકાર તમામ સમુદાયોની સાથે છે.
ઇઝરાયેલ-હમાસ સંઘર્ષમાં વેસ્ટ બેન્કની ભુમિકા પરના એક સૂચન પર વડાપ્રધાને જણાવ્યું હતું કે, મેં આ અંગે પેલેસ્ટિનિયન ઓથોરિટીના પ્રમુખ સાથે વાત કરી છે. વેસ્ટ બેન્ક આ મામલામાં શાંત રહે તે અત્યંત મહત્વનું છે. અમે તેમાં મદદ કરી રહ્યાં છીએ.
લેબર નેતા સર કેર સ્ટાર્મરે જણાવ્યું હતું કે, ઇઝરાયેલ અસામાન્ય સ્તરે આતંકવાદનો શિકાર બન્યો છે. લેબર પાર્ટી ઇઝરાયેલની સાથે છે. સમગ્ર બ્રિટન ઇઝરાયેલની પડખે ઊભો છે. સ્ટાર્મરને જવાબ આપતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, આ મામલામાં હાઉસ એકજૂથ છે. બ્રિટિશ સંસદ એકસૂરે કહી રહી છે કે અમે હમાસ દ્વારા કરાયેલા આ આતંકવાદી હુમલાને વખોડી કાઢીએ છીએ. અમે ઇઝરાયેલ, યહૂદી લોકોને ફક્ત આજે કે આવતીકાલે જ નહીં પરંતુ હંમેશા સમર્થન આપતા રહીશું.
પેલેસ્ટાઇનને અપાતી બ્રિટિશ સહાયમાં 10 મિલિયન પાઉન્ડનો વધારો
લંડનઃ વડાપ્રધાન રિશી સુનાકે ઇઝરાયેલને ઓછામાં ઓછા નાગરિકોની હાનિ થાય તેવો પ્રયાસ કરવાની અપીલ કરતાં જણાવ્યું હતું કે, ગાઝામાં સર્જાયેલી માનવીય કટોકટીને પગલે પેલેસ્ટિનિયન લોકોને અપાતી સહાયમાં બ્રિટન 10 મિલિયન પાઉન્ડનો વધારો કરશે. આપણે પેલેસ્ટાઇનના લોકોને સપોર્ટ કરવો જોઇએ કારણ કે તેઓ પણ હમાસથી પીડિત છે. યુરોપિયન સંઘે પણ ગાઝાને અપાતી સહાયમાં 75 મિલિયન યુરોનો વધારો કરવાની જાહેરાત કરી છે.
આતંકવાદ સામે યુકે હંમેશા સહયોગીઓની સાથે છેઃ રિશી સુનાક
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલી લડાઇ મુદ્દે વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું છે કે આતંકવાદ સામેની લડાઇમાં યુકે હંમેશા તેના સહયોગીઓની સાથે રહેશે. ઇઝરાયેલમાં નિર્દોષ નાગરિકો પર હમાસના આતંકવાદી હુમલાના પગલે મેં પ્રાદેશિક સ્થિરતા મજબૂત બનાવવા, લડાઇને વધુ ઉગ્ર બનતી અટકાવવા અન માનવીય મદદ પહોંચાડવા માટે આપણી સેના તહેનાત કરી છે.


