હમાસના ગુણગાન કરતા વિદ્યાર્થી, શિક્ષણવિદ્દો અને કામદારોના વિઝા રદ કરવા સરકારની વિચારણા

Tuesday 17th October 2023 12:33 EDT
 
 

લંડનઃ એન્ટી સેમેટિક કૃત્યોમાં સંડોવાયેલા અને હમાસના ગુણગાન ગાતા વિદેશી વિદ્યાર્થીઓ, શિક્ષણવિદ્દો અને કામદારોને બ્રિટનમાંથી દેશનિકાલ કરવાની તૈયારી સરકાર કરી રહી છે. હોમ ઓફિસ આ માટેની યોજના તૈયાર કરી રહી છે. ઇમિગ્રેશન મિનિસ્ટર રોબર્ટ જેનરિકે હમાસને સમર્થન આપવા અથવા યહૂદીઓ પ્રત્યે ભેદભાવના પુરાવા હોય તો રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને આવા સમર્થકોના વિઝા કેવી રીતે રદ કરી શકાય તેની વિચારણા કરવા અધિકારીઓને સૂચના આપી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ફ્રાન્સમાં આ જ પ્રકારના પગલાં લેવાઇ રહ્યાં છે. ફ્રાન્સના ગૃહમંત્રી જેરાલ્ડ ડાર્માનિને એન્ટી સેમેટિક કૃત્યોમાં સંડોવાયેલા તમામ વિદેશીઓને તાત્કાલિક દેશનિકાલ કરવાના આદેશ આપ્યા છે. 3 વિદેશી નાગરિકોને એન્ટી સેમેટિક કૃત્યો માટે ફ્રાન્સમાંથી દેશનિકાલ પણ કરી દેવાયાં છે.

તેથી હવે યુકે સરકાર પણ પુરતા પુરાવા હોય તો એન્ટી સેમેટિક કૃત્યો કરનારા વિદેશી વિદ્યાર્થી, કામદારો અને વિઝિટર્સના વિઝા રદ કરવા વિચારણા કરી રહી છે. યુનિવર્સટીઓના વાઇસ ચાન્સેલરોએ વિદ્યાર્થીઓને ચેતવણી આપી દીધી છે કે જો તેઓ હમાસને સમર્થન આપશે તો તેમની સામે ફોજદારી કાર્યવાહી કરાશે.

સમગ્ર યુકેમાં પેલેસ્ટાઇન સમર્થકોના વિરોધ પ્રદર્શનો

લંડનઃ ઇઝરાયેલની લશ્કરી કાર્યવાહીનો વિરોધ કરતાં હજારો પેલેસ્ટાઇન સમર્થકો શનિવારે યુકેના શહેરોની સડકો પર ઉતરી આવ્યાં હતાં. લંડન ઉપરાંત માન્ચેસ્ટર, એડિનબરો અને અન્ય શહેરોમાં પેલેસ્ટાઇન સમર્થકોએ શનિવારે રેલીઓનું આયોજન કર્યું હતું. રેલીના આયોજકોને પોલીસે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે હમાસનું સમર્થન કરનાર કોઇપણ વ્યક્તિની ધરપકડ કરી લેવાશે. લંડનમાં બીબીસી ન્યૂઝ હેડક્વાર્ટરથી શરૂ થયેલી પેલેસ્ટાઇન સમર્થકોની રેલી ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે સમાપ્ત થઇ હતી. રેલીમાં જોડાયેલા હજારો લોકોએ પેલેસ્ટાઇનની આઝાદીની માગ કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter