હર મેજેસ્ટી ક્વીન એલિઝાબેથ દ્વિતીય શાશ્વત શાંતિમાં પોઢી ગયાં છેઃ ગોપીચંદ હિન્દુજા

Wednesday 28th September 2022 06:39 EDT
 
 

હિન્દુજા ગ્રૂપના કો-ચેરમેન શ્રી ગોપીચંદ પી. હિન્દુજાએ વિડિયો સંદેશામાં હર મેજેસ્ટી ક્વીન એલિઝાબેથ દ્વિતીયને હૃદયસ્પર્શી આદરાંજલિ પાઠવી છે. શ્રી આહુજાએ જણાવ્યું છે કે ‘હર મેજેસ્ટી ક્વીન એલિઝાબેથ દ્વિતીય શાશ્વત શાંતિમાં પોઢી ગયાં છે અને તેમના નિધનથી સમગ્ર વિશ્વ શોક અનુભવી રહ્યું છે. 70 વર્ષથી વધુ સમય નમ્રતા અને મહાનતા સાથે શાસન કર્યું હોય તેમની ગરિમાને છાજે તે રીતે અંતિમવિધિ થઈ છે. તેમણે વિશ્વના કરોડો લોકોના હૃદયમાં વિશિષ્ટ સ્થાન અંકિત કર્યું હતું. વિશ્વમાં આ પ્રકારના માનવી મળવાં અતિ દુર્લભ છે.

મેં પણ એક નેતાની યાદમાં આંસુ સાર્યા છે જેમણે પોતાની મહાનતા અને ભવ્યતાની સાથે પ્રેમ અને સમર્પણની પ્રેરણા આપી છે. હિઝ મેજેસ્ટી કિંગ ચાર્લ્સ ત્રીજાએ હૃદયને સ્પર્શે તેવો રાષ્ટ્રજોગ સંદેશો વ્યક્ત કર્યો છે. તેમણે શેક્સપિઅરને ટાંકતા કહ્યું હતું કે,‘મે ફ્લાઈટ્સ ઓફ એન્જલ સીંગ ધી ટુ ધાય રેસ્ટ.’ મે ગોડ બ્લેસ હર.’

75 વર્ષ અગાઉ, ભારતની સ્વતંત્રતાના માત્ર પાંચ વર્ષ પછી જ તેઓ ક્વીન બન્યાં હતાં. તેમના 70થી વધુ વર્ષના શાસનમાં ભારત પ્રત્યે તેમનો પ્રેમ અને આદર અવિરત રહ્યો હતો. તેમણે ત્રણ પ્રસંગે ભારતની મમુલાકાત લીધી હતી અને છેલ્લી મુલાકાત ભારતની સ્વતંત્રતાની 50મી વર્ષગાંઠ નિમિત્તે 1997માં યોજાઈ હતી.

એક યુવાન કિશોર તરીકે હું ક્વીનના 70 વર્ષનાં શાસનની આ પળો પ્રેમ અને આનંદાશ્ચર્યથી યાદ રાખું છું. હું અને હિન્દુજા પરિવારના તમામ સભ્યો તેમના પ્રતિ આદર ધરાવીએ છીએ. મારો પરિવાર છેલ્લા 60 વર્ષથી લંડનમાં વસીએ છીએ. મને અને હિન્દુજા પરિવારના સભ્યોને હર મેજેસ્ટી સાથે મુલાકાતનું બહુમાન ઘણી વખત પ્રાપ્ત થયું છે. છેલ્લે હું ગયા વર્ષે જ હર મેજેસ્ટીને વિન્ડસર કેસલમાં મળ્યો હતો. તેમનું ઔદાર્ય, દયાળુતા અને તેમનું પ્રભાવક તેજ સર્વદા સ્મરણમાં રહેશે.

આજે અમે હર મેજેસ્ટી પ્રતિ આભાર વ્યક્ત કરીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે તેમના આત્માને શાશ્વત શાંતિ પ્રાપ્ત થાય અને ઈશ્વર તેમને આશીર્વાદ આપે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter