લંડનઃ ડચેસ ઓફ કેન્ટ કેથેરાઇનનું 92 વર્ષની વયે નિધન થયું છે. બકિંગહામ પેલેસે જણાવ્યું હતું કે, અત્યંત દુઃખ સાથે ઘોષણા કરવામાં આવે છે કે હર રોયલ હાઇનેસ ધ ડચેસ ઓફ કેન્ટનું નિધન થયું છે. આ પ્રસંગે કેન્સિંગ્ટન પેલેસમાં તેમના તમામ પરિવારજનો હાજર હતાં. કિંગ ચાર્લ્સ, ક્વીન કેમિલા અને રાજવી પરિવારના તમામ સભ્યો ડ્યૂક ઓફ કેન્ટ સાથે શોકમાં જોડાયાં હતાં. ડચેસની સમાજ સેવા, સહિષ્ણુતા અને સંગીત પ્રત્યેના પ્રેમના કારણે તેમને હંમેશા યાદ કરાશે.
તેમના નિધનને પગલે બકિંગહામ પેલેસ ખાતે યુનિયન જેકને અડધી કાઠીએ ફરકાવાયો હતો. કિંગ ચાર્લ્સે ડચેસની અંતિમવિધિ થાય તે દિવસ સુધી રાજવી શોકની જાહેરાત કરી હતી. ડચેસ કેથેરાઇન ચુસ્ત કેથોલિક ખ્રિસ્તી હતા. રાજવી પરિવારના 300 કરતાં વધુ વર્ષમાં કેથોલિક સંપ્રદાય સાથે જોડાનારા તેઓ પ્રથમ રાજવી સભ્ય હતા.