લંડનઃ ડેઝર્ટ પાર્લરની માલિક હરપ્રીત કૌર આખરે Apprentice 2022ની વિજેતા જાહેર થવા સાથે લોર્ડ સુગરનું 250,000 પાઉન્ડનું ઈન્વેસ્ટમેન્ટ પણ મેળવી શકી છે જોકે, આ માટે તેણે 6 મહિના સુધી રાહ જોવી પડી હતી. વેસ્ટ યોર્કશાયરની 30 વર્ષીય હરપ્રીતે બોર્ડરૂમ શોડાઉનમાં 29 વર્ષીય કેથરીન બર્નને પરાજિત કરી પોતાનું સ્વપ્ન સાકાર કર્યું છે. લોર્ડ એલન સુગરે બુધવાર 23 માર્ચે બંને ફાઈનાલિસ્ટને પોતાના નિર્ણયની જાણ કરી હતી.
હરપ્રીત કૌરે જણાવ્યું હતું કે,‘હું ભારે રોમાંચિત છું. હું ઘણી ખુશ છું. મને ખુદ પર ગર્વ છે. આ સ્થળે પહોંચવા મેં ખરેખર ખૂબ મહેનત કરી છે. છેક 18 વર્ષની વયથી હું આની પાછળ લાગી હતી. હું કદી અટકી નહિ અને મને લાગે છે કે હું આ પળની જ રાહ જોતી હતી.’ હરપ્રીતના પેરન્ટ્સ જાસ અને પીટ બ્રિગહાઉસમાં કોર્નર શોપ ચલાવે છે. હરપ્રીત કૌર11 વર્ષની વયે બર્મિંગહામ છોડી વેસ્ટ યોર્કશાયર રહેવાં ગઈ હતી. હરપ્રીતે પરિવાર અને મિત્રોને ગુરુવાર રાત્રે મોટી પાર્ટી પણ આપી હતી.
Apprentice 2022 સીરિઝના ફાઈનાલિસ્ટ્સ હરપ્રીત કૌર અને કેથરીન બર્નને તેમનામાંથી કોણ વિજેતા બનશે તેની 6 મહિના સુધી રાહ જોવી પડી હતી. બોર્ડરુમ મીટિંગમાંથી અન્ય સ્પર્ધકોના ગયા પછી હરપ્રીત અને કેથરીન જ બાકી રહ્યાં હતા. તેઓ બંને લોર્ડ સુગરનો નિર્ણય જાણવા ઉત્સુક હતાં. લોર્ડ સુગરે પોતાના બિઝનેસ પાર્ટર તરીકે હરપ્રીત કૌરની પસંદગી કરી હતી. પૂર્વ બેન્ક વર્કર હરપ્રીતે ધ એપ્રેન્ટિસ શોમાં પોતાની સંચાલકીય કૌશલ્યનો સારો ઉપયોગ કર્યો હતો. હરપ્રીત તેની ‘Oh So Yum!’ બ્રાન્ડને આગળ લઈ જવા માગે છે અને તેણે ઓનલાઈન ડિલિવરી સર્વિસ ચાલુ પણ કરી દીધી છે.
પાયજામાં બિઝનેસ માલિક કેથરીન બર્નને વિજેતા નહિ બનવાં બદલ કોઈ ખરાબ લાગણી કે ઈર્ષા નથી. કેથરીને કહ્યું હતું કે તેની સ્પર્ધ ખરેખર વિજેતા બનવાને લાયક છે. તેણે કહ્યું હતું કે સમગ્ર સ્પર્ધા દરમિયાન તે અદ્ભૂત હતી અને એક પણ વખત પાછી પડી ન હતી. તેણે દરેક વખતે કોઈ કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને તેને પાર પાડ્યું હતું. કેથરીન બેર ગ્રિલ્સ સાથે 2017માં ધ આઈલેન્ડમાં દેખાઈ હતી.
ધ એપ્રેન્ટિસ બ્રિટિશ બિઝનેસ સ્ટાઈલ રીયાલિટી ગેમ શો છે જે છેક 2005થી ચાલે છે છે. મૂળ અમેરિકન શો આધારિત આ બ્રિટિશ શોના વિજેતાને લોર્ડ સુગર દ્વારા નવો બિઝનેસ શરૂ કરવા લોર્ડ સુગર દ્વારા ઈન્વેસ્ટમેન્ટ આપવામાં આવે છે.


