લંડનઃ ભારતના હરિયાણા રાજ્યમાં ઇન્ડિયન નેશનલ લોક દલના પ્રદેશ અધ્યક્ષ નફેસિંહ રાઠીની હત્યાની જવાબદારી યુકે સ્થિત ગેંગસ્ટર કપિલ સાંગવાને સ્વીકારી છે. કપિલ સાંગવાન ઉર્ફે નંદુએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં દાવો કર્યો હતો કે મારા પ્રતિસ્પર્ધી ગેંગસ્ટર મનજિત મહલ સાથેની નિકટતાના કારણે રાઠીની હત્યા કરવામાં આવી છે.
સાંગવાને જણાવ્યું હતું કે રાઠી અને મહલ ગાઢ સાથીદાર છે. રાઠી અને મહલનો ભાઇ સંજય સંપત્તિ પડાવી લેવા જેવા અપરાધો આચરી રહ્યાં હતાં. સાંગવાનના સાળા અને સાથીઓની હત્યા માટે રાઠીએ મહલને સાથ આપ્યો હતો.
સાંગવાને જણાવ્યું હતું કે મારા દુશ્મનોને સાથ આપનારાના આજ હાલ થશે. બહાદૂરગઢ સારી રીતે જાણે છે કે સત્તામાં હતો ત્યારે રાઠીએ કેટલા લોકોની હત્યા કરાવી હતી. સત્તામાં હોવાના કારણે કોઇ તેની સામે અવાજ ઉઠાવી શક્તું નહોતું. મારા સગાંની હત્યાઓમાં ન્યાય અપાવવામાં પોલીસ નિષ્ફળ ગઇ હતી. પોલીસની નિષ્ફળતાના કારણે જ મારે આ પગલું ઉઠાવવું પડ્યું છે.
સાંગવાન દિલ્હીના નજફગઢનો રીઢો અપરાધી છે. 2020માં તે બનાવટી દસ્તાવેજોના આધારે યુકે ફરાર થઇ ગયો હતો. ઇન્ટરપોલ દ્વારા તેની વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ પણ જારી કરાઇ હતી. સાંગવાન ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇનો નજીકનો સાથીદાર મનાય છે.

