લંડનઃ યુકે સરકારે હર્ષબીર સંઘાની ભારતના કર્ણાટક ખાતે નવા ડેપ્યુટી હાઇ કમિશ્નર તરીકે નિયુક્તિ કરી છે. આ નિમણૂકનો મુખ્ય હેતુ કર્ણાટક સાથે યુકેના વેપાર, રોકાણ, ટેકનોલોજી, શિક્ષણ અને જળવાયુ પરિવર્તન સંબંધિત સહયોગને વધુ મજબૂત કરવાનો છે. તેઓ દક્ષિણ એશિયા માટે યુકેના ડેપ્યુટી ટ્રેડ કમિશનર (ઇન્વેસ્ટમેન્ટ) તરીકે પણ ફરજ બજાવશે, જ્યાં તેમનું મુખ્ય ધ્યાન ભારત અને સમગ્ર દક્ષિણ એશિયામાંથી બ્રિટનમાં રોકાણ આકર્ષવા પર રહેશે.
ભારત સ્થિત યુકેના કાર્યકારી હાઇકમિશ્નર બેન મેલોરે જણાવ્યું હતું કે, હર્ષબીરનું બ્રિટિશ ડેપ્યુટી હાઇકમિશ્નર તરીકે સ્વાગત કરતા મને આનંદ થાય છે. યુકે સ્પેસ એજન્સીમાં તેમનો અનુભવ વૈશ્વિક ટેકનોલોજી હબ ગણાતા બેંગલુરુમાંથી વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતા ક્ષેત્રે દ્વિપક્ષીય સહયોગ વધુ મજબૂત કરવામાં મદદરૂપ થશે.
હર્ષબીર સંઘાએ જણાવ્યું હતું કે, વેપાર, રોકાણ, ટેકનોલોજી, શિક્ષણ અને ક્લાયમેટ એક્શન ક્ષેત્રે કર્ણાટક યુકે માટે અત્યંત મહત્વપૂર્ણ ભાગીદાર છે. હું સરકારમાં મારા અનુભવનો ઉપયોગ કરીને બંને પક્ષો વચ્ચેના લક્ષ્યોને પૂર્ણ કરવા આશાવાદી છું. સંઘા આ પદ પર ચંદ્રુ અય્યરનું સ્થાન લેશે.


