લંડનઃ હર્ષિતા બ્રેલા હત્યા કેસમાં લાપરવાહી માટે ચાર પોલીસ અધિકારી સામે તપાસ શરૂ કરવામાં આવી છે. નવેમ્બર 2024માં કોર્બીની રહેવાસી એવી હર્ષિતા બ્રેલાનો મૃતદેહ તેના નિવાસસ્થાનથી 100 માઇલ દૂર ઇસ્ટ લંડનના ઇલફોર્ડ ખાતે કારની ડેકીમાંથી મળી આવ્યો હતો. હર્ષિતાની હત્યા તેના પતિ પંકજ લામ્બાએ કરી હોવાનો આરોપ છે. હત્યા બાદ પંકજ લામ્બા યુકેથી ફરાર થઇ ગયો હતો. તે ભારતમાં હોવાની શંકા છે પરંતુ એક વર્ષ વીતી ગયા પછી પણ પોલીસ તેને ઝડપી લેવામાં સફળ થઇ નથી.
નોર્ધમ્પટનશાયર પોલીસના આસિસ્ટન્ટ ચીફ કોન્સ્ટેબલ એમ્મા જેમ્સે જણાવ્યું હતું કે, ઇન્ડિપેન્ડન્ટ ઓફિસ ફોર પોલીસ કન્ડક્ટ (આઇઓપીસી)ની તપાસ બાદ ચાર પોલીસ અધિકારી સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આઇઓપીસીની તપાસ અનુસાર હર્ષિતાએ પતિ દ્વારા ગુજારાતા અત્યાચારની ફરિયાદ 29 ઓગસ્ટ 2024ના રોજ પોલીસને કરી હતી. આ મામલામાં બે ડિટેક્ટિવ અને બે વરિષ્ઠ અધિકારીને જવાબદારી સોંપવામાં આવી હતી પરંતુ તેમના દ્વારા ગંભીર લાપરવાહી દર્શાવવામાં આવી હતી.

