લંડનઃ પત્નીની હત્યા કરી કારની ડેકીમાં મૂકીને લંડનથી ફરાર થયેલા હત્યારા પતિના માતાપિતાની ભારતમાં ધરપકડ કરાઇ છે. ભારતીય પોલીસે જણાવ્યું હતું કે, પંકજ લામ્બાના પિતા દર્શન સિંહ અને માતા સુનિલ દેવીની દહેજ માટે હર્ષિતા બ્રેલા પર અત્યાચાર કરી મોત નિપજાવવાના આરોપસર ધરપકડ કરાઇ છે. યુકેમાં નોર્ધમ્પટનશાયર પોલીસ આ મામલામાં અલગથી તપાસ કરી રહી છે. કોર્બીમાં રહેતો પંકજ લામ્બા હર્ષિતાની હત્યા કરીને નવેમ્બર 2024માં યુકેથી ફરાર થઇ ગયો હતો.
હાલ 23 વર્ષીય પંકજ લામ્બા ક્યાં છે તેની જાણકારી નથી પરંતુ હર્ષિતાની ફરિયાદના આધારે યુકેની કોર્ટે પ્રોટેક્શન ઓર્ડર જારી કર્યા હતા જેના કારણે અધિકારીઓ પંકજ લામ્બાને જાણતા હતા. ભારતમાં હર્ષિતા બ્રેલાના માતાપિતાએ કરેલી ફરિયાદના આધારે પંકજ લામ્બાના માતાપિતાની ધરપકડ કરાઇ છે. હર્ષિતાના પિતા સતબિર સિંહે જણાવ્યું હતું કે, ઘણા મહિનાઓ સુધી રાહ જોયા પછી એમ લાગી રહ્યું છે કે આ કેસમાં હવે કેટલીક પ્રગતિ થઇ છે.
ભારતમાં લગ્નના સાત વર્ષમાં મહિલાનું અકારણ મોત થાય તો દહેજ વિરોધી કાયદો લાગુ પડે છે. નોર્ધમ્પટનશાયર પોલીસ હર્ષિતાની હત્યાના કેસમાં પંકજ લામ્બાને મુખ્ય શંકાસ્પદ માનીને તપાસ કરી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે, અમે તપાસનો રિપોર્ટ ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ સમક્ષ રજૂ કરી દીધો છે અને આરોપો અંગેના નિર્ણયની રાહ જોવાઇ રહી છે.
ફરાર પંકજ લામ્બા પર હત્યાના આરોપ ઘડાયા
હર્ષિતા બ્રેલા હત્યા કેસમાં યુકે પોલીસે તેના ફરાર પતિ પંકજ લામ્બા સામે હત્યાના આરોપ ઘડ્યા છે. લામ્બા સામેના આરોપની જાહેરાત ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ દ્વારા કરાઇ હતી પરંતુ લામ્બાની ધરપકડ કરાઇ છે કે કેમ તે અંગે કોઇ જાણકારી અપાઇ નહોતી. એમ માનવામાં આવે છે કે લામ્બાના કોઇ સગડ મળ્યા નથી.