લંડનઃ હર્ષિતા બ્રેલાની હત્યાને 1 વર્ષ વીતી ગયું છે તેમ છતાં તેનો હત્યારો પતિ આજ સુધી ઝડપાયો નથી. હર્ષિતાનો દિલ્હી સ્થિત પરિવાર આ નિષ્ફળતા માટે યુકે અને ભારતની સરકારોને જવાબદાર ઠરાવી રહ્યો છે. હર્ષિતાની મતા સુદેશ કુમારી કહે છે કે, હજુ સુધી શા માટે મારી દીકરીનો હત્યારો ઝડપાયો નથી. મારે મારી દીકરી માટે ન્યાય જોઇએ છીએ અને ત્યારે જ મને શાંતિ મળશે.
હર્ષિતાનો મૃતદેહ 14 નવેમ્બર 2024ના રોજ ઇલફોર્ડમાં કારની ડેકીમાંથી મળી આવ્યો હતો. તેના એક દિવસ પહેલાં તેના પરિવારે યુકેમાં પોલીસનો સંપર્ક કરી જણાવ્યું હતું કે, 10 નવેમ્બરથી હર્ષિતા સાથે કોઇ સંપર્ક થઇ રહ્યો નથી. પોલીસનું માનવું છે કે 24 વર્ષીય હર્ષિતાની 10 નવેમ્બર 2024ના રોજ જ નોર્ધમ્પટનશાયરના કોર્બી ખાતે હત્યા કરી નાખવામાં આવી હતી. ત્યારબાદ તેનો પતિ પંકજ લામ્બા ભારત નાસી ગયો હતો. માર્ચ 2025માં યુકેની પોલીસે લામ્બા પર હત્યાનો આરોપ લગાવ્યો હતો.
હર્ષિતાની બહેન સોનિયા દબાસ કહે છે કે અમે યુકે પોલીસથી ઘણા હતાશ થયાં છીએ. કદાચને અમે યુકેના નાગરિક નથી તેથી તેઓ આ કેસને ગંભીરતાથી લેતાં નથી.
બીજીતરફ બ્રિટિશ પોલીસ અધિકારીઓ પંકજ લામ્બાની શોધમાં ભારત પહોંચ્યા છે. અખબારી અહેવાલ મુજબ બ્રિટિશ પોલીસના કેટલાક ડિટેક્ટિવ લામ્બાની શોધમાં ભારત પહોંચી ગયાં છે.


