લંડનઃ પત્ની હર્ષિતા બ્રેલાની હત્યા કરી બ્રિટનથી ફરાર થઇ ગયેલો પતિ પંકજ લામ્બા ભારતના દિલ્હી શહેરમાં દેખાયો હોવાનો દાવો કરાયો છે. પંકજ લામ્બા ગુરગાંવની બેન્ક ઓફ ઇન્ડિયામાં નાણા ઉપાડતા સીસીટીવીમાં કેદ થયો હોવાનો દાવો કરાયો છે. પંકજ લામ્બાએ ગુરગાંવમાં જ અભ્યાસ કર્યો છે અને તેના ઘણા નિકટના સગાં આ શહેરમાં રહે છે.
દિલ્હી હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે, પંકજ લામ્બાએ 4 માર્ચના રોજ બે અલગ અલગ બેન્કમાંથી 4000 પાઉન્ડ ઉપાડ્યા હતા. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે પંકજ લામ્બા પાસે બે મોબાઇલ ફોન છે જેને અમે ટ્રેક કરી રહ્યાં છીએ. દેશના તમામ એરપોર્ટ પર પણ પંકજ લામ્બા માટે એલર્ટ જારી કરી દેવાયાં છે. પંકજ લામ્બાનો એક મોબાઇલ ફોન 22 માર્ચના રોજ દિલ્હીના એક ઓટો રિક્ષા ડ્રાઇવર પાસેથી મળી આવ્યો હતો.
દિલ્હી પોલીસ દ્વારા પંકજ લામ્બાની બહેન અને અન્ય બે સગાને અટકાયતમાં લેવાયાં છે. જેમાંથી એક દિલ્હી પોલીસનો સસ્પેન્ડ પોલીસ અધિકારી પણ છે. દિલ્હી પોલીસ દ્વારા પંકજ લામ્બાની માહિતી આપનારને 500 પાઉન્ડનું ઇનામ આપવાની જાહેરાત પણ કરાઇ છે.
બ્રેલાના પરિવારનો આરોપ છે કે પંકજ લામ્બા દિલ્હીમાં મુક્તપણે ફરી રહ્યો છે અને ધોળા દિવસે બેન્કમાં જઇને નાણા પણ ઉપાડી રહ્યો છે તેમ છતાં તેની ધરપકડ થઇ રહી નથી.