લંડનઃ હલાલ માંસનું વેચાણ કરવાના ઇનકાર મામલે સર્જાયેલા વિવાદ બાદ ગયા સપ્તાહમાં લંડન સ્થિત ભારતીય રેસ્ટોરન્ટ રંગરેઝના શીખ માલિકની અટકાયત કરાઇ હતી. આ પહેલાં ભારતીય મૂળના રેસ્ટોરન્ટ માલિક હરમનસિંહ કપૂરે આરોપ મૂક્યો હતો કે હલાલ માંસનું વેચાણ કરવાનો ઇનકાર કરવા માટે મને મુસ્લિમો દ્વારા ધમકીઓ આપવામાં આવતી હતી. કપૂરે આ અંગે સોશિયલ મીડિયા પર પણ ઘણી પોસ્ટ મૂકી હતી. મુસ્લિમો દ્વારા તેમના રેસ્ટોરન્ટની બહાર દેખાવો પણ કરાતા હતા.
પોલીસે કપૂરની ધરપકડ શા માટે કરાઇ હતી તે અંગેની માહિતી જાહેર કરી નહોતી. તેમને થોડો સમય અટકાયતમાં રખાયા બાદ કસ્ટડીમાંથી મુક્ત કરી દેવાયા હતા.
છૂટકારા બાદ કપૂરે જણાવ્યું હતું કે, સત્તાવાળાઓએ મને અન્યાયી રીતે લક્ષ્યાંક બનાવ્યો હતો. હું મારા પરિવારની સુરક્ષા કરી રહ્યો હતો પરંતુ અમને સંરક્ષણ આપવાને બદલે મારી જ અટકાયત કરાઇ હતી. પોલીસે મારી શીખ આસ્થાને પણ નિશાન બનાવી હતી.


