લંડનઃ હલાલ ચીકનના નામે ભળતું માંસ વેચવાના આરોપસર કાર્ડિફના બે વ્યક્તિને જેલ ભેગા કરી દેવાયાં છે. તેઓ હલાલ મીટના નામે ભળતું માંસ રેસ્ટોરન્ટ અને ટેક અવેને સપ્લાય કરી રહ્યાં હતાં. યુનિવર્સલ ફૂડ હોલસેલ લિમિટેડના 46 વર્ષીય હામિલ મિયાને વેપારમાં છેતરપિંડીના આરોપસર 4 વર્ષ અને 8 મહિનાની કેદ ફટકારાઇ છે. જ્યારે કાર્ડિફના જ 46 વર્ષીય નોઆફ રેહમાને પોતાનો અપરાધ સ્વીકારી લેતાં બે વર્ષની સસ્પેન્ડેડ કેદ કરાઇ છે.
આ બંનેના કારનામા 2019માં સામે આવ્યાં હતાં. સત્તાવાળાઓએ તેમના વેરહાઉસ પર પાડેલા દરોડામાં 2840 કિલો ફ્રોઝન મીટ જપ્ત કર્યું હતું. જેમાં ફૂડ હાઇજિનના નિયમોનું સદંતર ઉલ્લંઘન કરાતું હતું. તેઓ ગંદી વાન દ્વારા મીટનો સપ્લાય કરતાં હતાં અને એક્સપાયરી ડેટ સાથે પણ ચેડાં કરતાં ઝડપાયાં હતાં. તેઓ છેલ્લા પાંચ વર્ષથી સાઉથ અને વેસ્ટ વેલ્સમાં હલાલ મીટના નામે ઇટરીઝને ચીકન સપ્લાય કરી રહ્યાં હતાં.