લંડનઃ સમગ્ર યુરોપમાં હવાઇ માર્ગે ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને ઘૂસાડવાના કૌભાંડમાં સ્લાઉના રહેવાસી ઇકબાલ ખોખર (58), બ્રેન્ટફોર્ડના ઇલજિત ચોપરા (49), અને પૂર્વ લંડનના ન્યુહામના આદિલ ખાન (41)ની ધરપકડ કરી કેસ નોંધવામાં આવ્યો છે. તેમને સ્લાઉ સ્થિત ઇસ્ટ બર્કશાયર મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયા છે.
ખોખર અને ચોપરા પર બિનબ્રિટિશ નાગરિકો દ્વારા યુકેના ઇમિગ્રેશન કાયદાનો ભંગ કરાવવાના કાવતરાનો આરોપ છે. આ ઉપરાંત, ખોખર પર ખોટા હેતુથી ઓળખ દસ્તાવેજો કબજે રાખવાનો વધારાનો આરોપ પણ મૂકવામાં આવ્યો છે. બીજી તરફ ખાન સામે ગુનાહિત સંપત્તિ પ્રાપ્ત કરવા અને તેના ઉપયોગ સંબંધિત ગુનો નોંધવામાં આવ્યો છે.
યુરોપોલના જણાવ્યા અનુસાર આ આંતરરાષ્ટ્રીય નેટવર્ક યુરોપથી હવાઈ માર્ગે માઇગ્રન્ટ્સને બ્રિટન લાવવાનું કામ કરતું હતું. આ તપાસમાં ઓસ્ટ્રિયા, બેલ્જિયમ, ફિનલેન્ડ, ફ્રાન્સ, જર્મની, ગ્રીસ, આઇસલેન્ડ, આયર્લેન્ડ, ઈટાલી, નેધરલેન્ડ, નોર્વે, પોર્ટુગલ, સ્પેન, સ્વીડન, સ્વિટ્ઝરલેન્ડ અને અમેરિકાની પોલીસ એજન્સીઓ જોડાયેલી હતી.

