લંડનઃ જેલો પરનું ભારણ ઓછું કરવા હવે વિદેશી અપરાધીઓને તેમને કરાયેલી કેદની 10મા ભાગની સજા કાપી લીધા બાદ દેશનિકાલ કરી દેવાશે. જસ્ટિસ સેક્રેટરી શબાના માહમૂદ દ્વારા આ માટે ખરડો રજૂ કરાયો છે જે અંતર્ગત બે વર્ષની કેદની સજા પ્રાપ્ત કરનાર વિદેશી અપરાધી બે મહિના કેદ ભોગવી લેશે ત્યારબાદ તેને દેશનિકાલ કરી દેવાશે. તેને તેના વતનના દેશમાં બાકીની સજા ભોગવવાની નહીં રહે પરંતુ તેના યુકેમાં પ્રવેશ પર હંમેશ માટે પ્રતિબંધ લાદી દેવાશે. જો આ અપરાધી કોઇપણ રીતે યુકેમાં ઘૂસણખોરી કરશે તો તેને બાકીની સજા જેલમાં ભોગવવી પડશે.
ઇંગ્લેન્ડ અને વેલ્સની જેલો કેદીઓથી ભરચક છે અને તેમાં પણ વિદેશી અપરાધીઓની સંખ્યા રેકોર્ડ સ્તરે પહોંચી છે. માર્ચ 2025ના અંતે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં વિદેશી કેદીઓની સંખ્યા 10,838 હતી. ઇંગ્લેન્ડ અને વેલ્સની જેલોમાં કુલ કેદીઓની સંખ્યા 88,000 જેટલી છે. તેનો અર્થ એ થયો કે 12 ટકા કેદી વિદેશી નાગરિકો છે. સરકારને એક કેદી પાછળ વર્ષે 54000 પાઉન્ડનો ખર્ચ થાય છે. એટલે કે જેલમાં કેદીઓને રાખવા માટે સરકાર વર્ષે 600 મિલિયન પાઉન્ડ ખર્ચે છે.
માહમૂદે જણાવ્યું હતું કે, જેલોમાં જગ્યા નથી ત્યારે આપણે યુકેમાં રહેવાનો અધિકાર ન ધરાવતા વિદેશી કેદીઓને જેલોમાં રાખીને સુવિધાઓ આપવી જોઇએ નહીં. આ બદલાવના કારણે વિદેશી અપરાધીઓને ઝડપથી દેશનિકાલ કરીને સરકારી ખર્ચ ઓછો કરી શકાશે અને આપણી સડકો સુરક્ષિત બનશે.