લંડનઃ પેટ્રોલ પમ્પ ખાતે રિટેલર ગ્રાહકો પાસેથી વધુ ચાર્જ ન વસૂલે તે માટે તૈયાર કરાયેલી નવી સ્કીમ અંતર્ગત વાહનચાલકો સસ્તા ઇંધણ માટે સર્ચ કરી શકશે. સ્પર્ધાત્મકતાના કારણે સ્ટોર્સ દ્વારા પોતાના માર્જિન વધારી દેવાના કારણે ગયા વર્ષે સુપરમાર્કેટો ખાતે બ્રિટિશરોએ પ્રતિ લિટર 6 પેન્સ વધુ ખર્ચ કરવા પડ્યા હતા તેવા અહેવાલો બાદ સરકાર દ્વારા આ નવી સ્કીમ જાહેર કરાઇ છે.
સરકારે જણાવ્યું છે કે રિટેલરે હવે ગ્રાહકને અપ ટુ ડેટ કિંમત ફરજિયાત આપવી પડશે અને નહીં આપનારને જવાબદાર ઠેરવી પગલાં લેવાશે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડની કિંમતોમાં ઘટાડા છતાં તેના લાભ ગ્રાહકોને અપાતા ન હોવાની ફરિયાદોની તપાસ કોમ્પિટિશન એન્ડ માર્કેટ ઓથોરિટીએ શરૂ કરી છે.
સરકારે જણાવ્યું છે કે નવી સ્કીમ અંતર્ગત ગ્રાહકોને તેમના ફોન અથવા સેટનેવ્સ પર કયા સ્ટેશન પર ઇંધણની શું કિંમત છે તેની માહિતી આપવામાં આવશે. અત્યારે રિટેલર્સ ફક્ત પેટ્રોલ સ્ટેશન ખાતે જ ઇંધણની કિંમત દર્શાવે છે જેના કારણે ગ્રાહક અન્ય સ્ટેશન ખાતેની કિંમતની સરખામણી કરી શક્તો નથી.
પેટ્રોલની કિંમત 1.40 પાઉન્ડ પ્રતિ લિટરથી નીચે આવવાની સંભાવના
સીએમએ દ્વારા સુપરમાર્કેટો પર અપનાવાયેલા આકરા વલણ બાદ જુલાઇના અંત સુધીમાં પેટ્રોલની કિંમત 1.40 પાઉન્ડ પ્રતિ લિટરથી નીચે આવી જવાની સંભાવના છે. ઓક્ટોબર 2021 પછી પહેલીવાર પેટ્રોલની કિંમત આટલી નીચી સપાટી પર આવી શકે છે.


