લંડનઃ કેર સ્ટાર્મરની સરકારે 10 મિલિયન પેન્શનરોના વાર્ષિક પેમેન્ટ નાબૂદ કરી નાખતાં હવે કાઉન્સિલો દ્વારા પેન્શનરોને મદદ કરવા વૈકલ્પિક વિન્ટર ફ્યુઅલ સ્કીમ શરૂ કરવામાં આવી રહી છે. સ્થાનિક સત્તામંડળોના નેતાઓએ જણાવ્યું છે કે સરકારના અત્યંત ક્રુર નિર્ણયની અસર ઓછી કરવા માટે અમે હવે આ મામલો અમારા હાથમાં લઇ રહ્યાં છીએ.
લેબર સંચાલિત બાસિલડોન કાઉન્સિલે પેન્શનરોને વિન્ટર ફ્યુઅલ સ્કીમ અંતર્ગત 100 પાઉન્ડ આપવાનો નિર્ણય લેવાયો છે. આ યોજના અંતર્ગત 1000 પરિવારને મદદ કરાશે. લિબ ડેમના નેતૃત્વ હેઠળની ડોરસેટ કાઉન્સિલે જણાવ્યું છે કે વધારાની સહાય આપવાના કારણે તેના 2 મિલિયન પાઉન્ડના કોસ્ટ ઓફ લિવિંગ ફંડ પર વધારાનું દબાણ સર્જાશે.
સ્ટાર્મર સરકારની પોતાની જ સમીક્ષા પ્રમાણે વિન્ટર ફ્યુઅલ એલાઉન્સ બંધ કરવાના કારણે 1.6 મિલિયન વિકલાંગ પેન્શનરોને અસર થવાની છે. આ વર્ષે એકલવાયું જીવન જીવતાં 4.6 મિલિયન વૃદ્ધોને વિન્ટર ફ્યુઅલ પેમેન્ટથી વંચિત રહેવું પડશે.

