લંડનઃ ક્વીન કોન્સોર્ટ જાહેર કરાયેલા કેમિલા હવે દિવંગત ક્વીન એલિઝાબેથ દ્વિતીયના રેસહોર્સીસના તબેલાની દેખભાળ પર ધ્યાન આપવાં સાથે હોર્સરેસિંગની રમતના શાહી વડા તરીકેની કામગીરી સ્વહસ્તક લઈ રહ્યા છે. ક્વીન એલિઝાબેથ અશ્વોના ઘણા શોખીન અને જાણકાર પણ હતાં. આમ તો, કિંગ ચાર્લ્સ સાન્ડ્રિંઘામ તબેલા અને એસ્કોટ રેસકોર્સનો સત્તાવાર વારસો મેળવશે પરંતુ, કેમિલા પણ અશ્વો પ્રત્યે પ્રેમ અને રેસિંગ માટે ઉત્સાહ ધરાવે છે તેને જોતાં તેઓ આ બંને માટે કેન્દ્રીય ભૂમિકા ભજવી શકે છે.
સૂત્રોએ જણાવ્યા મુજબ દિવંગત ક્વીનના રેસિંગ મેનેજર જ્હોન વોરેન રોયલ રેસહોર્સીસ વિશે વાત કરવાની હશે ત્યારે સૌ પહેલા ક્વીન કોન્સોર્ટ સાથે વાત કરશે. ગત વર્ષે વોરેને જણાવ્યું હતું કે કેમિલા રેસિંગમાં ભારે રસ ધરાવે છે જ્યારે ચાર્લ્સ તેનાથી દૂર જ રહે છે.
કેમિલા પેટ્રન અથવા પ્રેસિડેન્ટ તરીકે 90થી વધુ ચેરિટીઝને સપોર્ટ કરે છે. ડચેસ ઓફ કોર્નવોલ તરીકેની તેમની વેબસાઈટમાં જણાવાયું છે કે આ ચેરિટીઝ હેલ્થ, સાક્ષરતા, જરૂરિયાતમંદો, વયોવૃદ્ધો, બળાત્કાર અને સેક્સ્યુઅલ શોષણ અને ઘરેલું હિંસાના વિક્ટિમ્સને સપોર્ટ, મહિલા સશક્તિકરણ, ફૂડ, પ્રાણીઓ, નૃત્ય તેમજ વારસા અને કળાક્ષેત્રને સહાય સાથે સંકળાયેલી છે. કેમિલાએ 2016માં ક્વીન પાસેથી બર્નાર્ડોઝ, બેટરસી ડોગ્સ એન્ડ કેટ્સ હોમ તથા રોયલ સ્કૂલ ઓફ નીડલવર્કનું પેટ્રોનેજ સંભાળ્યું હતું તેમજ જૂન 2018માં તેઓ રોયલ સોસાયટી ઓફ લિટરેચરના પેટ્રન બન્યાં હતાં.
ક્વીન એલિઝાબેથ જૂન મહિનામાં રોયલ એસ્કોટ ખાતે ઉપસ્થિત રહી શક્યાં ન હતાં ત્યારે ચાર્લ્સ અને કેમિલાએ તેમના વતી હાજરી આપી હતી. ક્વીન પ્લેટ રેસિંગને પસંદ કરતાં હતાં પરંતુ, દર વર્ષે ચેલ્ટેનહામની મુલાકાત લેતાં કેમિલા જમ્પ રેસિંગને પસંદ કતાં હોવાનું કહેવાય છે.

