હવે ક્વીન પણ વિન્ડસર કેસલ ખાતે ઈસ્ટર સુધી એકાંતવાસમાં રહેશે

Wednesday 25th March 2020 01:37 EDT
 
મહારાણીએ રોયલ નેવી વોરશિપ HMS ક્વીન એલિઝાબેથનાં નવા કમાન્ડિંગ ઓફિસર કેપ્ટન એન્ગસ એસેનહાઈ (ડાબે) તેમજ તેમના પુરોગામી કોમોડોર સ્ટીવન મૂરહાઉસ સાથે મુલાકાત કરી 
 

લંડનઃ ક્વીન એલિઝાબેથ દ્વિતીય હવે ઈસ્ટર સુધી વિન્ડસર કેસલમાં એકાંતવાસ સેવશે. તેમણે બકિંગહામ પેલેસમાં ગુરુવારે બે નેવી અધિકારીઓને મુલાકાત આપ્યાં પછી તેમનાં અન્ય કાર્યક્રમો રદ કરવામાં આવ્યાં છે. તેમની નેવી અધિકારીઓ સાથે મુલાકાતમાં હસ્તધૂનન કરાયું નહિ અને માત્ર માથુ નમાવી અભિવાદન કરાયું હતું.

ક્વીને કોરોના વાઈરસ મહામારીના કારણે વિન્ડસર કેસલ ખાતે સપ્તાહો સુધી એકાંતવાસ સેવવા રવાના થતાં અગાઉ ગુરુવારે બકિંગહામ પેલેસમાં આખરી સત્તાવાર મુલાકાત યોજી હતી. ૯૩ વર્ષના મહારાણીએ તેમના લંડનના નિવાસે રોયલ નેવી વોરશિપ HMS ક્વીન એલિઝાબેથનાં નવા કમાન્ડિંગ ઓફિસર કેપ્ટન એન્ગસ એસેનહાઈ તેમજ તેમના પુરોગામી કોમોડોર સ્ટીવન મૂરહાઉસ સાથે મુલાકાત કરી હતી.

બકિંગહામ પેલેસ ખાતે ૯૩ વર્ષીય ક્વીનની ગાર્ડન પાર્ટીઓ પણ રદ કરાઈ છે તેમજ જુલાઈમાં એડિનબરામાં પેલેસ ઓફ હોલીરુડ હાઉસ ખાતે યોજાનાર ગાર્ડન પાર્ટી પણ સમીક્ષા હેઠળ છે.  ક્વીન માનીતા વિન્ડસર કેસલમાં એકાંતવાસ સમયે ઓછામાં ઓછાં સેવકો રાખશે. દેશમાં સૌથી વધુ શાસન કરનારા ક્વીન એલિઝાબેથ દ્વિતીય આગામી મહિને તેમની ૯૪મી વર્ષગાંઠ ઉજવશે અને ૭૦થી વધુ વયના લોકોને સામાજિક સંપર્કથી કોરોના વાઈરસનું ગંભીર જોખમ હોવાના કારણે ક્વીનનાં કાર્યક્રમોની સમીક્ષા કરાતી રહેશે. ગાદીના વારસદાર પ્રિન્સ ઓફ વેલ્સ ૭૧ વર્ષના છે તેમજ ડચેસ ઓફ કોર્નવોલ ૭૨ વર્ષનાં છે. સત્તાવાર કાર્યરત રોયલ્સમાં ક્વીનના ૭૫ વર્ષીય ડ્યુક ઓફ ગ્લોસ્ટર, ૮૪ વર્ષના ડ્યુક ઓફ કેન્ટ અને ૮૩ વર્ષીય પ્રિન્સેસ એલેકઝાન્ડ્રાનો સમાવેશ થાય છે. રાજવી ફરજોથી મુક્ત ૯૮ વર્ષીય ડ્યુક ઓફ એડિનબરા પ્રિન્સ ફિલિપ સાન્ડ્રિંગ્ઘામ એસ્ટેટ પરના કોટેજ વૂડ ફાર્મમાં પોતાનો સમય વીતાવે છે.

જાપાનના સમ્રાટ નારુહિતો અને સામ્રાજ્ઞી માસાકોઈસ મે મહિનામાં ક્વીનની મુલાકાતે આવવાનાં છે અને ક્વીન સાથે વિન્ડસર કેસલમાં રોકાવાના છે. તેમના માનમાં સ્વાગત સમારોહ અને ભવ્ય સરકારી બેન્ક્વેટ યોજાવાના છે. જોકે, આ કાર્યક્રમો પણ મુલતવી રહી શકે છે. ક્વીન દર વર્ષે વિન્ડસર કેસલમાં માર્ચ અને એપ્રિલના રોકાણ દરમિયાન ‘ડાઈન એન્ડ સ્લીપ’ કાર્યક્રમનું આયોજન કરે છે જેમાં મહેમાનો રાત્રિરોકાણ પણ કરે છે. આ વર્ષે આ કાર્યક્રમ નહિ યોજાય. ભૂતકાળમાં જેમ્સ બોન્ડ અભિનેતા ડેનિયલ ક્રેગ, ડાયરેક્ટર ટિમ બર્ટન, અભિનેત્રીઓ હેલેના બોનહામ કાર્ટર અને રાચેલ વેલ્ચ જેવી પ્રસિદ્ધ સેલિબ્રિટીએ મહેમાનગતિ માણી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter