લંડનઃ જો લોકોને ખરીદી વિના ચાલતું ના હોય તો પણ હરીફાઈના વર્તમાન યુગમાં વેચાણકારોને ખરીદારો વિના જરા પણ ચાલતું નથી. ખરીદારોની તાકાત ઘણી છે. કન્ઝ્યુમર્સ રાઈટેસ એક્ટ ૨૦૧૫ના અમલ સાથે વર્તમાન પેઢીમાં ગ્રાહકોના અધિકારોમાં સૌથી મોટા ફેરફાર તરીકે ખામીપૂર્ણ આઈટમો માટે ૩૦ દિવસ સુધી રિફન્ડની ગેરન્ટી મળશે. ગ્રાહક અધિકાર કાયદામાં ભારે ફેરફારોનો અર્થ એ છે કે રિટેઈલર્સ હવે રિફન્ડના બદલે સમારકામની ઓફર કરી શકશે નહિ અને બજેટ એરલાઈન્સ સહિતની કંપનીઓ ઝીણાં અક્ષરોના ઓઠાં હેઠળ ચાર્જીસને છુપાવી શકશે નહિ.
નવા કન્ઝ્યુમર્સ રાઈટેસ એક્ટ ૨૦૧૫ અન્વયે ગ્રાહકો કાર સહિતની કોઈ પણ ખામીપૂર્ણ વસ્તુની ખરીદીના ૩૦ દિવસમાં સંપૂર્ણ રિફન્ડ મેળવવાનો અધિકાર ધરાવશે. જો કોઈ વસ્તુ કે સાધન ૩૦ દિવસ પછી પરંતુ છ મહિના પહેલા ખરાબ થાય તેના માટે પણ ખરીદારોને સારું રક્ષણ આપવામાં આવ્યું છે. વસ્તુના રિફન્ડ, રિપેર અથવા અયોગ્ય શરતોને પડકારવાનું હવે વધુ સરળ બની જશે. કન્ઝ્યુમર જૂથ Which? દ્વારા આ ફેરફારોને ક્રાંતિકારી ગણાવાયાં છે.
અગાઉ કંપનીઓ રિફન્ડના બદલે રિપેરીંગની ઓફર કરતી હતી, જેમાં સપ્તાહો લાગતાં હતાં અને અસુવિધા ઉભી થતી હતી. અત્યાર સુધી વસ્તુઓ વેચી છટકી જતાં રિટેઈલર્સ તેમ કરી શકશે નહિ. કામ નહિ કરતાં કે ગ્રાહકના ઉપકરણને નુકસાન પહોંચાડનારા ગેઈમ્સ અને ફિલ્મ્સ જેવાં ડિજિટલ ડાઉનલોડ્સને સંબંધિત રિફન્ડને પણ નવા કાયદામાં આવરી લેવાયાં છે. ટ્રેડમેન્સ દ્વારા કિચન, બાથરુમ્સના ફિટિંગ્સ કે હોમ ડિલિવરીમાં સેવા કે ગુણવત્તાની ખાતરી પાળવામાં આવે તેનો પણ નિયમોમાં સમાવેશ કરાયો છે.