લંડન
બ્રિટનની ફેમિલી અને સિવિલ કોર્ટોમાં હવે ઘરેલુ હિંસાના આરોપી પીડિતોની પૂછપરછ કરી શકશે નહીં. ડોમેસ્ટિક એબ્યુઝ એક્ટ 2021માં કરાયેલો આ સુધારો 21 જુલાઇથી અમલમાં આવ્યો છે. બ્રિટનની બાર કાઉન્સિલે આ નવા પગલાને આવકાર્યું છે. બાર કાઉન્સિલના અધ્યક્ષ માર્ક ફેનહોલ્સે જણાવ્યું હતું કે, ન્યાયી અને અસરકારક ન્યાય પ્રણાલિનું નિર્માણ કરવા પ્રયાસો કરી રહેલા તમામને આ સુધારો પ્રોત્સાહન આપશે. હવે તેઓ યોગ્ય કાયદાકિય સલાહ આપી શકશે અને રજૂઆત કરી શકશે. બાર કાઉન્સિલે કાયદામાં આ સુધારાને પોતાનું સમર્થન આપ્યું હતું કારણ કે ઘરેલુ હિંસાના આરોપી દ્વારા પીડિતોની પૂછપરછ કરીને તેમના ભયાવહ અનુભવને યાદ અપાવવો ખોટું છે. હવે કાયદામાં રહેલી આ ખામી દૂર કરાઇ છે. હવે ઘરેલુ હિંસાના પીડિતો મોટી રાહત અનુભવી શકશે.

