લંડનઃ થોડા જ માઇલના અંતરમાં પેટ્રોલની કિંમતમાં પ્રવર્તતા તફાવતના કારણે વાહનચાલકોને વધુ કિંમત ચૂકવવી પડતી હોય છે પરંતુ હવે ફ્યુઅલ સ્ટેશનો દ્વારા પહેલીવાર પેટ્રોલની કિંમતના સત્તાવાર આંકડા પ્રસિદ્ધ કરાયાં છે. તેના પગલે હવે વાહનચાલકો થોડા જ માઇલનું અંતર કાપીને સસ્તી કિંમતે પેટ્રોલ ઉપલબ્ધ કરાવનાર ફ્યુઅલ સ્ટેશન પર પહોંચીને એક ટેન્ક પેટ્રોલ પર 25 પાઉન્ડ સુધીની બચત કરી શકશે.
કોમ્પિટિશન વોચડોગ દ્વારા કરાયેલી તપાસ બાદ હવે પહેલીવાર જાહેર જનતા માટે પેટ્રોલની કિંમતો જાહેર કરવામાં આવી છે. કોમ્પિટિશન એન્ડ માર્કેટ ઓથોરિટીએ ફ્યુઅલ સ્ટેશન પર રોજિંદા ધોરણે પેટ્રોલની કિંમત કેટલી હશે તેની જાણકારી આપવા માટે ફ્યુઅલ ફાઇન્ડર સ્કીમ શરૂ કરવાની ભલામણ કરી છે.
સરકારે આ ભલામણ સ્વીકારી છે અને હાલ વોલન્ટરી સ્કીમ અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. નવા આંકડા પ્રમાણે દેશમાં પેટ્રોલની કિંમતમાં 50 પેન્સ અને ડીઝલની કિંમતમાં 45 પેન્સ સુધીનો તફાવત જોવા મળે છે. 35 ટકા રિટેલર્સ આ વોલન્ટરી સ્કીમમાં સામેલ થયાં છે જેઓ દેશમાં 60 ટકા ઇંધણનું વેચાણ કરે છે. સરકારે જણાવ્યું છે કે આ સ્કીમને કાયદાકીય સ્વરૂપ અપાશે જેના પગલે રિટેલર્સે રોજની કિમતો જાહેર કરવી પડશે.


