હવે દોઢ લાખ સરકારી કર્મચારીઓની દેશવ્યાપી હડતાળની ચેતવણી

214 વિભાગોના એક લાખ કરતાં વધુ કર્મચારીઓનું હડતાળની તરફેણમાં મતદાન

Wednesday 16th November 2022 04:31 EST
 
 

લંડન

બ્રિટનમાં હવે પગાર વધારાના મામલે સરકારી કર્મચારીઓ પણ હડતાળ પર જવાની તૈયારી કરી રહ્યાં છે. પબ્લિક એન્ડ કોમર્શિયલ સર્વિસિઝ યુનિયનના સભ્ય એવા એક લાખ સરકારી કર્મચારીઓએ હડતાળ પર જવાની તરફેણમાં મતદાન કર્યું છે. એક નિવેદનમાં યુનિયને જણાવ્યું હતું કે, હોમ ઓફિસ, ડિપાર્ટમેન્ટ ફર વર્ક એન્ડ પેન્શન સહિતના 126 વિભાગોમાં હડતાળ માટે જરૂરી કાયદાકીય મર્યાદામાં સભ્યોની મંજૂરી પ્રાપ્ત થઇ ચૂકી છે. યુનિયન દ્વારા દેશભરમાં કામ કરતા 214 સરકારી વિભાગોના 1,50,000 સભ્યો મધ્યે હડતાળ પર જવું કે નહીં તે અંગે મતદાન કરાવવામાં આવ્યું હતું. જેમાં આવશ્યક 50 ટકા કરતાં વધુ સભ્યોએ હડતાળની તરફેણમાં મતદાન કર્યું છે. હવે જો સરકાર દ્વારા કર્મચારીઓની માગણીઓ પર યોગ્ય પ્રતિભાવ આપવામાં નહીં આવે તો 18મી નવેમ્બરે દેશવ્યાપી હડતાળનો કાર્યક્રમ જાહેર કરાશે.

યુનિયનના જનરલ સેક્રેટરી માર્ક સર્વોત્કાએ જણાવ્યું હતું કે સરકાર હડતાળની તરફેણ કરી રહેલા કર્મચારીઓની સંખ્યા જોઇને પગલાં લે. તે કર્મચારીઓ સાથે હવે આ પ્રકારનો ઓરમાયો વર્તાવ લાંબો સમય કરી શકશે નહીં. જો સરકાર અમારી માગણીઓ નહીં સ્વીકારે તો અમને લાંબી હડતાળનો પ્રારંભ કરવો પડશે જે સમાજના તમામ વર્ગો પર અસર કરશે.

પાસપોર્ટ, પેન્શન, ડ્રાઇવિંગ લાયસન્સ સહિતની સેવાઓ ખોરવાઇ જશે

ડિપાર્ટમેન્ટ ફોર વર્ક એન્ડ પેન્શન્સ સહિતના લાખો સરકારી કર્મચારીઓ હડતાળ પર જશે તો સરકારી લાભ મેળવનારાને ભારે હાડમારીનો સામનો કરવો પડશે. જોબસીકરથી માંડીને પાસપોર્ટ અને ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવામાં વિલંબ થઇ શકે છે. એરપોર્ટ પર પ્રવાસીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. બંદરો પર પણ કામગીરી ખોરવાઇ શકે છે. જો સરકારી કર્મચારીઓ હડતાળ પર જશે તો બ્રિટનના જાહેર જીવનના દરેક વર્ગ પર તેની અસર પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter