લંડનઃ યુકેના પોલીસ દળમાં ભરતી થવા માટેના નિયમોમાં મહત્ત્વનો ફેરફાર કરાયો છે, જે અનુસાર નવા રીક્રુટ માટે ડીગ્રી ફરજિયાત બનાવાઈ છે. આ નિયમની ભારે ટીકા પણ થઈ છે કે આના કારણે ડીગ્રી વિનાના છતાં, યોગ્યતા ધરાવતા લોકો રહી જશે. લોકોએ ડીગ્રી મેળવવા માટે પણ ભારે ખર્ચ કરવો પડશે.
કોલેજ ઓફ પોલિસીંગ દ્વારા રીક્રુટમેન્ટ નિયમોની જાહેરાત અનુસાર પોલીસ દળમાં નવા રીક્રુટ્સે યુનિવર્સિટીમાં પોલિસીંગનો અભ્યાસ અથવા અન્ય વિષયમાં સ્નાતક હોય તો કન્વર્ઝન કોર્સ પૂર્ણ કરવો પડશે. તેમના માટે ત્રીજો વિકલ્પ ત્રણ વર્ષની ‘ડીગ્રી એપ્રેન્ટિસશિપ’ પૂર્ણ કરવાનો રહેશે. આના કારણે વિવિધ કોર્સની ફી ભરવી પડવાથી લોખો લોકોને નાણાકીય બોજ સહન કરવાનો થશે તેમજ આ પગલાંથી પ્રજાને શું લાભ થશે તેવી ટીકા પણ થઈ છે. બ્રિટિશ પોલીસ દળોમાં કાર્યરત ૪૦ ટકા સ્નાતક ડીગ્રી ધરાવે છે.
સર રોબર્ટ પીલે ૧૮૨૯માં પ્રથમ પોલીસમેન ભરતી માટે અપનાવેલા ધોરણોમાં ઉમેદવાર ૩૫ વર્ષથી નીચે હોવો જોઈએ, ૫ ફીટ સાત ઈંચની ઊંચાઈ તેમજ ગુનો કર્યાનો ઈતિહાસ ન હોવો જોઈએ જ મુખ્ય હતા. બ્રિટનના સૌથી સીનિયર પોલીસમેન અને મેટ્રોપોલીટન પોલીસના વડા સર બર્નાર્ડ હોગાન-હોવ ૧૯૭૯માં સાઉથ યોર્કશાયર પોલીસમાં જોડાયા ત્યારે તેમની પાસે કોઈ ડીગ્રી ન હતી. તેમને ૨૮ વર્ષની વયે ઓક્સફર્ડમાં કાયદાશાસ્ત્રનો અભ્યાસ કરવા મોકલાયા હતા.


