લંડનઃ નેટ માઇગ્રેશન ઘટાડવાના પ્રયાસમાં હોમ ઓફિસ એવા નિયમો લાગુ કરવા માગે છે જેના પગલે બ્રિટનમાં રહેતા લોકો માટે તેમના જીવનસાથી, બાળકો, માતાપિતાને યુકેમાં વસવાટ માટે લાવવા અઘરા બની જશે. વર્ષ 2022માં નેટ માઇગ્રેશનનો આંકડો 6,06,000 પર પહોંચી ગયા બાદ ટોરી સાંસદો સરકાર પર આકરા પગલાં માટે દબાણ કરી રહ્યાં છે જેથી ઇમિગ્રેશનમાં ઘટાડો કરી શકાય.
ઇમિગ્રેશનમાં ઘટાડો કરવા હોમ ઓફિસ વિવિધ પ્રસ્તાવો પર વિચારણા કરી રહી છે જેમાં યુકેમાં વસવાટ કરતી વ્યક્તિ માટે તેના પરિવારને યુકેમાં લાવવા આર્થિક સદ્ધરતાના માપદંડ ઊંચા કરાશે. હાલમાં પ્રતિ વર્ષ ઓછામાં ઓછી 18,600 પાઉન્ડની સંયુક્ત આવક હોય તો જ કોઇ વ્યક્તિ તેના પાર્ટનરને યુકેમાં લાવી શકે છે. હોમ સેક્રેટરી આ આવક મર્યાદામાં વધારો કરવા માગે છે. ભારતીયો, પાકિસ્તાની અને નાઇજિરિયન મૂળના લોકો પોતાના પરિવારોને યુકેમાં લાવવા માટે આ નિયમોનો વધુ ઉપયોગ કરે છે.
તે ઉપરાંત સરકાર બાળકો અને માતાપિતાને યુકેમાં લાવવા માટે યોગ્યતાના માપદંડ વધુ આકરા બનાવવા માગે છે. હાલમાં માતાપિતાને યુકેમાં લાવવા માટે આવકની કોઇ મર્યાદા નથી. માતાપિતા એટલા સદ્ધર હોવા જોઇએ કે તેઓ કોઇ સરકારી લાભ માટે દાવો ન કરે.
આ પહેલાં હોમ સેક્રેટરી વિદેશી વિદ્યાર્થીઓ માટે પરિવારના સભ્યોને યુકેમાં લાવવા પર આકરા નિયમો જાહેર કરી ચૂક્યાં છે. પીએચડી અને કેટલાક ચોક્કસ રિસર્ચ આધારિત અનુસ્નાતક સ્તરના અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ સિવાયના અન્ય તમામ પર પોતાના આશ્રિતોને યુકેમાં લાવવા પર પ્રતિબંધ લાદી દેવાયો છે.


