હવે મારો પીછો છોડો, હું નાણા પરત કરવા તૈયારઃ વિજય માલ્યાએ હાથ જોડ્યા

Wednesday 19th February 2020 04:02 EST
 
 

લંડનઃ ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાએ લંડનની રોયલ કોર્ટ ઓફ જસ્ટિસમાં ૧૩ ફેબ્રુઆરી, ગુરુવારે કરાયેલી સુનાવણી પછી કોર્ટની બહાર ન જાહેરમાં હાથ જોડીને ભારતીય બેન્કોને તેમની ૧૦૦ ટકા લેણી રકમ પરત લેવાં ફરી એક વખત વિનંતી કરી હતી. માલ્યાએ એમ પણ કહ્યું હતું કે તેઓ ભારત પાછા નહીં જ આવે.માલ્યાએ આક્ષેપ કર્યો હતો કે તેમના પ્રત્યે ભારતના એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ (ઈડી) અને સીબીઆઈનો વ્યવહાર વાજબી રહ્યો નથી. ભારતમાં તેમનું પ્રત્યાર્પણ કરવા વિરુદ્ધ અપીલની સુનાવણી હાઈ કોર્ટમાં ચાલી રહી છે.

રોયલ કોર્ટ ઓફ જસ્ટિસમાં સુનાવણી પછી માલ્યાએ કોર્ટની બહાર હાથ જોડી નિવેદન આપીને કહ્યું હતું કે, ‘ભારતીય બેંકો મારી પાસેથી તેમના બાકીના નાણા પરત લઈ લે. હું બેંકોને તેમની બાકી તમામ રકમ પરત કરવા તૈયાર છું. ઈડી અને સીબીઆઈએ મારી સાથે સારો વ્યવહાર નથી કર્યો.’ જોકે, માલ્યા માત્ર લોનની મુદ્દલ રકમ પાછી આપવાની જ વાત કરે છે.

ભારતની બેન્કો સાથે ૯૦૦૦ કરોડ રુપિયાની છેતરપીંડી બાબતે ભારતમાં વોન્ટેડ આરોપી માલ્યા ત્રણ દિવસની સુનાવણીમાં હાજર રહ્યા હતા. લોર્ડ જસ્ટિસ સ્ટીફન ઈરવિન અને જસ્ટિસ એલિસાબેથ લેઈંગની બે સભ્યની બેન્ચ પ્રત્યાર્પણ આદેશ વિરુદ્ધ સુનાવણી કરી રહી છે. બેન્ચ થોડાં સપ્તાહમાં ચુકાદો આપે તેવી શક્યતા છે. ભારત પરત ન થવું પડે તે માટે હવાતિયા મારી રહેલા વિજય માલ્યા ૬૫૦,૦૦૦ પાઉન્ડના બોન્ડ તેમજ પ્રવાસ નિયંત્રણો સાથે એપ્રિલ ૨૦૧૭થી જામીન પર છે. વિજય માલ્યાના પ્રત્યાર્પણ પછી તેને ભારતમાં જે જેલમાં રખાશે તે પણ તૈયાર છે. બ્રિટિશ કોર્ટે માલ્યાના પ્રત્યાર્પણને લીલી ઝંડી આપી દીધી છે પરંતુ, માલ્યાએ આદેશને હાઈ કોર્ટમાં પડકાર્યો હતો.

માલ્યા સામે ફ્રોડ અને બનાવટનો પ્રથમદર્શી કેસ બને છે કે કેમ તેના પર આ અપીલનો આધાર છે. માલ્યાના ધારાશાસ્ત્રીની રજૂઆત છે કે કિંગફિશર ધંધાકીય નિષ્ફળતા હતી જ્યારે પ્રોસીક્યુશનની દલીલ છે કે તેમનો ઈરાદો લોન કદી પરત નહિ કરવાનો હતો. ભારત વતી રજૂઆત કરતા ક્રાઉન પ્રોસીક્યુશન સર્વિસના ધારાશાસ્ત્રી માર્ક સમર્સે જણાવ્યું હતું કે,‘પર્સનલ ગેરંટીનું માન રાખવા માલ્યાનો કદી ઈરાદો રહ્યો નથી. તેમણે લોન લેવા જુઠ્ઠાણું આચર્યું અને લોનના નાણાનો વિપરીત ઉપયોગ કર્યો અને આ પછી નાણા પરત કરવાનો ઈનકાર કર્યો. આ તદ્દન અપ્રામાણિક વ્યવહાર હોવાનું જ્યૂરી માટે સ્પષ્ટ બને છે.’

કિંગ ફિશર એરલાઈનના પૂર્વ માલિક ૬૪ વર્ષીય વિજય માલ્યા પર ભારતમાં મની લોન્ડરિંગ અને છેતરપિંડીનો આરોપ છે. જેની તપાસ ઈડી અને સીબીઆઈ કરી રહી છે. માલ્યા પર બેંકોની ૯૦૦૦ કરોડ રુપિયાની લોન નહિ ચુકવવાનો પણ આરોપ છે. માલ્યાએ બચાવમાં કહ્યું હતું કે, તેમણે પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કોઈ ગુનો કર્યો ન હોવાં છતાં બેન્કોની ફરિયાદના આધારે તેમની સંપત્તિ જપ્ત કરી લેવાઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter