લંડનઃ ભારત ખાતેના બ્રિટિશ હાઇ કમિશ્નર એલેક્સ એલિસે જણાવ્યું છે કે યુકેમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યાના મામલામાં ભારતીય વિદ્યાર્થીઓએ ચીન સહિતના અન્ય તમામ દેશોને પાછળ પાડી દીધા છે. ઓ પી જિન્દલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે ભારત અને યુકેના સંબંધો પર વ્યાખ્યાન આપતાં એલિસે જણાવ્યું હતું કે, ભારત અને યુકે માનવીય સ્તરે સંકળાયેલા છે. બંને દેશ વચ્ચેનું માનવ જોડાણ અસામાન્ય છે. ભારત અને યુકે વચ્ચેના સંબંધો વધુ ગાઢ બનાવવાની ઘણી તકો રહેલી છે. આજે આ બંને દેશ વિશ્વના પાંચમા અને છઠ્ઠા સૌથી મોટા અર્થતંત્રો છે. ભારત 2030 સુધીમાં વિશ્વની ત્રીજા ક્રમની આર્થિક શક્તિ બની જશે.
એલિસે જણાવ્યું હતું કે, ભારત અને યુકે વચ્ચે મુક્ત વેપાર કરાર પર મંત્રણા ચાલી રહી છે. આ કરાર અત્યંત મહત્વનો છે કારણ કે તે આર્થિક લાભ ઉપરાંત વ્યૂહાત્મક લાભ પણ આપશે. ભારત અને યુકે ક્લાઇમેટ ચેન્જ જેવા વિશ્વ સમક્ષના પડકારો સામે સાથે મળીને લડશે.
એલિસે જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં કોવિશિલ્ડ વેક્સિનના રિસર્ચ અને પ્રોડક્શનમાં ભારત અને યુકે વચ્ચેના સહકારે સારા પરિણામ આપ્યા છે. કોવિશિલ્ડને બ્રિટનની બીજા ક્રમની યુનિવર્સિટી દ્વારા તૈયાર કરાઇ હતી અને ભારતમાં તેનું ઉત્પાદન કરાયું હતું. આ એક મહાન સિદ્ધી હતી.


