લંડનઃ ‘નો શો’ની સમસ્યાના ઉકેલ માટે હવે રેસ્ટોરાં ફરી શરૂ થાય ત્યારથી ગ્રાહક ટેબલ બુક કરાવે તે સમયે મીલ્સના નાણાં અગાઉથી ચૂકવી દેવાના રહેશે. બર્મિંગહામની રેસ્ટોરાં 670 Gramsએ તો ગયા વીકથી બુકિંગ માટે પ્રિપેમેન્ટ લેવાનું શરૂ કરી દીધું છે.
લોકડાઉન પછી રેસ્ટોરાં ફરી શરૂ કરવાની તૈયારી થઈ રહી છે ત્યારે એક વર્ષના નિયંત્રણો અને નાણાં ગુમાવવાના દબાણ હેઠળ રહેલા માલિકોએ જણાવ્યું કે તેમને થિયેટર – ટિકિટ જેવો અભિગમ અપનાવવાની ફરજ પડી છે.
આ નવા નિયમનો હેતુ ગ્રાહકો એક જ નાઈટ માટે અલગ અલગ રેસ્ટોરાંમાં બુકિંગ કરાવીને છેલ્લી ઘડીએ ગમતો વિકલ્પ પસંદ કરે છે તેમની આ ટેવને પહોંચી વળવાનો છે કારણ કે તેમના લીધે અન્ય રેસ્ટોરાંના સમય, નાણાં અને ફૂડનો બગાડ થાય છે.
૧૨મી એપ્રિલથી આઉટડોર ડાઈનિંગ અને ૧૭મી મેથી ઈન્ડોર ડાઈનિંગ શરૂ થવાનું છે તેના માટે ઘણાં લોકોએ ટેબલ બુક કરાવી દીધાં છે. પણ સમય નજીક આવતા તેમાં ફેરફાર કરે તેમ બને.

