લંડન
પેન્શન અને અન્ય મુદ્દા પર પ્રવર્તતા મતભેદોના કારણે લંડનના અંડરગ્રાઉન્ડ ડ્રાઇવર 15મી માર્ચે હડતાળ પર જશે. 15મી માર્ચે ચાન્સેલર જેરેમી હન્ટ આગામી નાણાકીય વર્ષ માટે બજેટ રજૂ કરવાના છે. એસલેફ યુનિયનના જણાવ્યા અનુસાર અંડરગ્રાઉન્ડ ડ્રાઇવર 24 કલાકની હડતાળ પાડશે. અંડરગ્રાઉન્ડ ડ્રાઇવર, ટેસ્ટ ટ્રેન અને એન્જિનિયરિંગ ટ્રેન ડ્રાઇવર સહિત મેનેજમેન્ટમાં રહેલા કર્મચારીઓ પણ આ હડતાળમાં જોડાશે. યુનિયનના 99 ટકા સભ્યોએ હડતાળની તરફેણમાં મતદાન કર્યું હતું.
યુનિયનના વડા ફિન બ્રેનને જણાવ્યું હતું કે, ટ્રાન્સપોર્ટ ફોર લંડન યુનિયન સાથે વાતચીત નહીં કરે ત્યાં સુધી મતભેદોનો ઉકેલ આવશે નહીં. કર્મચારીઓના હડતાળને મળેલા સમર્થનને જોતાં લાગી રહ્યું છે કે તેઓ તેમની માગણીઓ માટે કોઇપણ પ્રકારે નમતું જોખવા તૈયાર નથી. અમે જાણીએ છીએ કે કોરોના મહામારી બાદ ટ્રાન્સપોર્ટ ફોર લંડન આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહી છે પરંતુ અમારા સભ્યો સરકારની નિષ્ફળતાઓની કિંમત ચૂકવવા તૈયાર નથી.


