લંડનઃ હેરોડ્સના માલિક મોહમ્મદ અલ ફાયેદ પર મહિલા કર્મચારીઓનું શારીરિક શોષણ કરવાના આરોપોની શાહી હજુ સૂકાઇ નથી ત્યાં હવે તેમના ભાઇઓ પૈકીના એક સલાહ ફાયેદ પર પણ હેરોડ્સની મહિલા કર્મચારીઓના શારીરિક શોષણના આરોપ મૂકાયા છે. આરોપ મૂકનારી 3 મહિલા કર્મચારીઓએ જણાવ્યું હતું કે, સલાહ ફાયેદે 1989થી 1997 વચ્ચે લંડન, ફ્રાન્સ અને મોનાકોમાં તેમનું જાતીય શોષણ કર્યું હતું. અમારા પર મોહમ્મદ અલ ફાયેદે પણ બળાત્કાર ગુજાર્યો હતો.
2010માં હેરોડ્સને ખરીદી લેનારા નવા માલિકોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અલ ફાયેદ અને તેમના ભાઇ પર મૂકાયેલા ગંભીર આરોપ અને દાવા તેમના દ્વારા કરાયેલા શોષણની વ્યાપકતા દર્શાવે છે. સલાહ ફાયેદનું વર્ષ 2010માં કેન્સરના કારણે મોત થયું હતું.

