લંડન
બ્રિટનમાં સાયકલ સવારોના બેફામ ડ્રાઇવિંગ પર લગામ કસવા સરકાર કાયદામાં સુધારા વિચારી રહી છે. સરકારના જણાવ્યા અનુસાર રોડ કાયદાઓમાં કેટલાક મહત્વના સુધારા કરાશે જેના પગલે સાયકલ સવારોએ રજિસ્ટ્રેશન પ્લેટ મેળવવી પડશે અને વીમા કવચ પણ હાંસલ કરવું પડશે. સાયકલ સવારોને મોટરકારના ડ્રાઇવરોની જેમ જ સ્પીડ લિમિટને અનુસરવું પડશે. ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શેપ્સે જણાવ્યું હતું કે, બેજવાબદાર સાયકલ સવારોને નિયંત્રણમાં લેવા સરકાર કેટલાંક પગલાં વિચારી રહી છે. આ માટે સરકાર ડેથ બાય ડેન્જરસ સાયકલિંગ લો ઘડી કાઢશે જેની જોગવાઇઓ અંતર્ગત સાયકલ સવારની સામે પણ મોટરિસ્ટોની જેમ જ ખટલો ચલાવી શકાશે.
વેલવિન હેથફિલ્ડના સાંસદ શેપ્સે જણાવ્યું હતું કે, 20 માઇલ પ્રતિ કલાકની સ્પીડ લિમિટ ધરાવતા ઝોનમાં સાયકલ સવારો બેફામ ગતિએ સાયકલ હંકારી શકે નહીં. તેથી સરકાર હવે સાયકલ સવારો પર પણ લગામ કસવાની તૈયારી કરી રહી છે. તમારા મનમાં સવાલ ઉઠશે કે સરકાર કેવી રીતે કાયદાનું ઉલ્લંઘન કરનારા સાયકલ સવારને શોધી કાઢશે? તેનો જવાબ છે કે સરકાર સાયકલ સવારો માટે પણ રજિસ્ટ્રેશન પ્લેટ અને વીમા કવચ જેવી જોગવાઇઓ ફરજિયાત બનાવશે. હાઇવે કોડ અને રોડ ટ્રાફિકમાં સ્પીડ લિમિટ ફક્ત મોટર વ્હિકલ માટે જ હોય છે. કાયદો ઘડાયા પછી સ્થાનિક સત્તાવાળા સાયકલ સવારો માટે પણ સ્પીડ લિમિટ લાદી શકશે. આવું પહેલાં ભાગ્યે જ કરાયું હશે. હું લોકોને સાયકલ ચલાવતા અટકાવવા માગતો નથી. મુસાફરી કરવાની આ એક સરળ પદ્ધતિ છે. પરંતુ આપણે કાયદા તોડતા સાયકલ સવારો સામે આંખો મીંચી શકીએ નહીં. મને એ સમજાતું નથી કે શા માટે સાયકલ સવારો કાયદાનો ભંગ કરતા હોય છે? શા માટે તેઓ બેફામ ગતિએ સાયકલ હંકારે છે અને રેડ લાઇટનું ઉલ્લંઘન કરે છે?
તેનો અર્થ એ થયો કે જો નવો કાયદો અમલમાં આવશે તો સાયકલ સવારોને પણ લાયસન્સ પેનલ્ટી પોઇન્ટ અને દંડ જેવી સજાઓ કરાશે.
કારચાલકો દ્વારા સાયકલ સવારો માટેના પ્રસ્તાવિત કાયદાને આવકાર
કારચાલકોએ સરકારના પ્રસ્તાવિત કાયદાને આવકાર્યો છે. એક ટેક્સી એસોસિએશને જણાવ્યું હતું કે, આ યોજના લાંબાસમયથી વિલંબિત થઇ રહી હતી. ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા સાયકલ સવારો સામે પણ પગલાં લેવાવા જોઇએ.
સરકાર રાહદારીઓને પણ નંબર પ્લેટ લગાવે - સાયકલ સવારોએ મજાક ઉડાવી
સરકાર દ્વારા પ્રસ્તાવિત કાયદાની વિચારણાની સાયકલ સવારો મજાક ઉડાવી રહ્યાં છે. તેઓ પોતાની સાયકલ પર કારની નંબર પ્લેટ લગાવીને સોશિયલ મીડિયા પર મીમ્સ પોસ્ટ કરી રહ્યાં છે. બ્રોડકાસ્ટર જેરેમી વાઇન કહે છે કે સરકારે અહીંથી જ અટકવું જોઇએ નહીં પરંતુ રાહદારીઓ અને શ્વાન માટે પણ નંબરપ્લેટની જોગવાઇ કરવી જોઇએ.


