લંડનઃ યુકેમાં સ્કીલ્ડ વર્કર્સને સ્પોન્સર કરતા એમ્પ્લોયર્સ તેમના કર્મચારીઓના માથે ચોક્કસ સ્પોન્સરશિપ રિલેટેડ ખર્ચા ટ્રાન્સફર કરી શકશે નહીં. નવી નીતિ અનુસાર કંપનીઓએ સર્ટિફિકેટ ઓફ સ્પોન્સરશિપ, સ્પોન્સર લાયસન્સ અને અન્ય સંબંધિત ખર્ચા જાતે ઉઠાવવા પડશે. લેબર સરકાર દ્વારા 28 નવેમ્બર 2024ના રોજ આ સંબંધિત ઘોષણા કરાઇ હતી જે નવા વર્ષમાં હોમ ઓફિસની સ્પોન્સર માર્ગદર્શિકા બાદ અમલી બની છે. મિનિસ્ટરિયલ સ્ટેટમેન્ટમાં જણાવ્યા અનુસાર હાલ આ પ્રતિબંધ સ્કીલ્ડ વર્કર રૂટ પર લાગુ પડે છે પરંતુ તે અન્ય સ્પોન્સર્ડ વર્ક રૂટ પર પણ લાગુ કરાય તેવી સંભાવના છે.
કિંગ સ્ટબ એન્ડ કાસિવા એડવોકેટ્સ એન્ડ એટર્નીઝના પાર્ટનર ઔરેલિયા મિનેઝિસે જણાવ્યું હતું કે, યુકેમાં રોજગાર મેળવવા ઇચ્છતા ઘણા સ્કીલ્ડ ભારતીય વર્કર્સ સહિત યુકેમાં કામ કરી રહેલા તમામ નોન રેસિડેન્ટ માટે આ સારા સમાચાર છે.
તેમણે જણાવ્યું હતું કે, સ્પોન્સર લાયસન્સ ફી, સર્ટિફિકેટ ઓફ સ્પોન્સરશિપ ફી 2,239 પાઉન્ડ જેટલી થાય છે. હવે સ્પોન્સર આ ખર્ચ કામદાર પર થોપી શકશે નહીં અને ઇન્ટરનેશનલ ટેલેન્ટને નોકરી પર રાખવાનો આ ખર્ચ કંપનીએ જ ઉઠાવવાનો રહેશે.
જે સ્પોન્સર આ નિયમોનું પાલન નહીં કરે તેમને ભારે પેનલ્ટી અને સ્પોન્સર લાયસન્સ રદ જેવાં આકરાં પગલાંનો સામનો કરવો પડશે.
યુકેમાં સ્કીલ્ડ વર્કર્સ વિઝા મેળવનારા વિદેશીઓમાં ભારતીયો અગ્રસ્થાને છે. માર્ચ 2024 સુધીના એક વર્ષમાં 1,60,676 ભારતીયોને સ્કીલ્ડ વર્કર વિઝા અપાયા હતા.


