લંડનઃ જેરેમી હન્ટે સ્પ્રિંગ બજેટના પ્રસ્તાવોમાં જણાવ્યું હતું કે, હાઇ-ઇન્કમ ચાઇલ્ડ બેનિફિટ ચાર્જ થ્રેસહોલ્ડ 50,000 પાઉન્ડથી વધારીને 60,000 પાઉન્ડ કરાશે અને ટેપર 80,000 પાઉન્ડ સુધી વિસ્તારાશે. બજેટમાં આશ્ચર્યજનક જાહેરાત કરતાં ચાન્સેલરે જણાવ્યું હતું કે, આ થ્રેસહોલ્ડનો અમલ એપ્રિલ 2024થી થશે જેના કારણે 1,70,000 પરિવારને ચાર્જ ચૂકવવામાંથી મુક્તિ મળશે.
હાલમાં ટેક્સ પહેલાંની આવક 50,000 પાઉન્ડ હોય તો ચાઇલ્ડ બેનિફિટ માટે દાવો કરી શકાય છે પરંતુ થ્રેસહોલ્ડ કરતાં વધુ આવક માટે ચાઇલ્જ બેનિફિટ ટેક્સ ચાર્જ ચૂકવવાનો રહેતો હતો. જો તમે તમારા પાર્ટનર સાથે રહો છો અને 50,000 પાઉન્ડ કરતાં વધુની સંયુક્ત આવક ધરાવો છો તો જેની આવક વધુ હોય તેણે ટેક્સ ચાર્જ ચૂકવવાનો રહેતો હતો પછી ભલેને જે કોઇ ચાઇલ્ડ બેનિફિટ મેળવતું હોય. જો તમે 60,000 પાઉન્ડ કરતાંની વધુ આવક ધરાવો છો તો ચાર્જ પેટે ચૂકવેલી રકમ ચાઇલ્ડ બેનિફિટ્સમાં મેળવેલી રકમને રદ કરી નાખશે. તેનો અર્થ એ થયો કે જો માતાપિતાની સંયુક્ત આવક 50,000 પાઉન્ડથી ઓછી હોય તો તેઓ ચાઇલ્ડ બેનિફિટ્સ મેળવી શકે છે પરંતુ જો બેમાંથી એકની પણ આવક વધુ હોય તો તેમણે ચાર્જ ચૂકવવો પડે છે.
ચાન્સેલર જેરેમી હન્ટે જણાવ્યું હતું કે, એક વાલી 50,000 પાઉન્ડની આવક ધરાવે તો ચાઇલ્ડ બેનિફિટ બંધ થઇ જતાં હતાં. જો બંને વાલી 49000 પાઉન્ડની આવક ધરાવતા હોય તેમને તમામ બેનિફિટ્સ અપાતાં હતાં. તેથી હું આ અન્યાયનો અંત લાવવા માગુ છું. તેથી અમે હવે હાઇ ઇન્કમ ચાઇલ્ડ બેનિફિટ ચાર્જને હાઉસહોલ્ડ આધારિત સિસ્ટમ પર લઇ જવાના છીએ અને તેનો અમલ એપ્રિલ 2026થી કરાશે. એપ્રિલ 2024થી હાઇ ઇન્કમ ચાઇલ્ડ બેનિફિટ થ્રેસહોલ્ડ 50,000 પાઉન્ડથી વધારીને 60,000 પાઉન્ડ કરાશે. તેનો અર્થ એ થયો કે 60,000 પાઉન્ડથી ઓછી આવક ધરાવતી વ્યક્તિએ આ ચાર્જ ચૂકવવાનો રહેશે નહીં. હાયર ટેપર અને થ્રેસહોલ્ડના કારણે અડધા મિલિયન પરિવારને આગામી વર્ષે 1300 પાઉન્ડની બચત થશે.


