લંડનઃ લંડનમાં ભારતીય હાઇ કમિશન ખાતે ભારતના 79મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે યુકે ખાતેના ભારતીય હાઇ કમિશ્નર વિક્રમ દોરાઇસ્વામી, ભારતના કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે અને મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના લોકો હાજર રહ્યાં હતાં.
આ પ્રસંગે દોરાઇસ્વામીએ તાજેતરમાં કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાઓની આકરી ટીકા કરી હતી. તેમણે ઓપરેશન સિંદૂરમાં ભારતયની સેનાઓના નિર્ણાયક પગલાંની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષે આપણે વકરેલા આતંકવાદનો સામનો કરવો પડ્યો છે. કાશ્મીરમાં રજાઓ માણી રહેલા નિર્દોષ ભારતીય નાગરિકોની હત્યા કાયરતા અને અમાનવીય હતી. જેનો ભારતે નિર્ણાયક અને પોલાદી પ્રતિબદ્ધતા સાથે જવાબ આપ્યો હતો. ઓપરેશન સિંદૂરે બતાવી દીધું છે કે દેશની સુરક્ષાની વાત આવે ત્યારે આપણી સેનાઓ કોઇપણ સ્થિતિને પહોંચી વળવા તૈયાર રહે છે. ઓપરેશન સિંદૂર ઇતિહાસમાં આતંકવાદ સામેની માનવીય લડાઇનું ઉદાહરણ બની રહેશે.
દોરાઇસ્વામીએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશે એકતા દ્વારા આતંકવાદને સજ્જડ જવાબ આપ્યો હતો. સમગ્ર વિશ્વે ભારતના વલણની નોંધ લીધી છે. આપણે આક્રમકતા બતાવતા નથી પરંતુ નાગરિકોની સુરક્ષા માટે પ્રત્યાઘાત આપવામાં પણ ખચકાતાં નથી. ઓપરેશન સિંદૂર ડિફેન્સ સેક્ટરમાં આત્મનિર્ભર ભારત મિશનનો સીમાસ્થંભ બની રહ્યું હતું.


