લંડનઃ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું કે, ગયા વર્ષે લંડનમાં ભારતીય હાઇ કમિશન ખાતે થયેલા હુમલામાં સંડોવાયેલા દોષીઓ સામે પગલાં લેવાય તેવી આશા ભારત રાખે છે. તેમણે અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો ખાતે ભારતીય કોન્સ્યુલેટ પર હુમલો કરનારા લોકો સામે પગલાંની પણ આશા વ્યક્ત કરી હતી.
એક સમિટમાં બોલતાં જયશંકરે જણાવ્યું હતું કે, અમે ઇચ્છીએ છીએ કે લંડનમાં ભારતીય હાઇકમિશન પર હુમલો કરનારા લોકો સામે પગલાં લેવામાં આવે. અમે આશા રાખીએ છીએ કે અમેરિકામાં સાન ફ્રાન્સિસ્કો ખાતે ભારતીય કોન્સ્યુલેટ પર હુમલો કરનારા સામે પણ પગલાં લેવાશે. અમે ઇચ્છીએ છીએ કે કેનેડામાં ભારતીય રાજદ્વારીઓને ધમકી આપનારા સામે પણ પગલાં લેવાય.
અત્રે ઉલ્લેખનીય છે કે 19 માર્ચ 2023ના રોજ ખાલિસ્તાન સમર્થકો દ્વારા લંડન સ્થિત ભારતીય હાઇ કમિશન પર હુમલો કરાયો હતો. જયશંકરે જણાવ્યું હતું કે, વાણી સ્વતંત્રતાનો અર્થ એ નથી કે અમારા રાજદ્વારીઓને ધમકીઓ આપવામાં આવે, એમ્બેસી અને કોન્સ્ટુલેટપર સ્મોક બોંબ વડે હુમલા કરાય. મિત્ર દેશ વિરુદ્ધ હિંસાની તરફેણ અને અલગતાવાદ વાણી સ્વાતંત્ર્ય નથી. આ વાણી સ્વાતંત્ર્યનો દુરુપયોગ છે. આ હુમલાઓમાં સામેલ તમામ સામે પગલાં લેવાવા જોઇએ. યુકેમાં અમારા હાઇ કમિશન પર ટોળાં દ્વારા હુમલા થાય છે પરંતુ અમને અમારી આશા પ્રમાણેની સુરક્ષા અપાતી નથી. યુકેમાં સ્થિતિમાં સુધારો થયો છે પરંતુ જો અપરાધીઓ સામે પગલાં ન લેવાય તો તેમાં કોઇ સંદેશ છૂપાયેલો છે. મને નથી લાગતું કે આ પ્રકારનો સંદેશ મોકલવો કોઇપણ દેશ માટે સારું છે.


