લંડનઃ વિશ્વમાંથી સૌથી ટેલેન્ટેડ વિદેશી કામદારોને બ્રિટનમાં કામ કરવા આકર્ષવા માટે ચાન્સેલર રેચલ રીવ્ઝે યુકેની વિઝા ફીમાં બદલાવની જાહેરાત કરી છે. રીવ્ઝે કેટલાક ગ્લોબલ બિઝનેસ માટે વિઝા ફી પરત કરવા અને કંપનીને માઇગ્રન્ટ સ્ટાફના સ્પોન્સર તરીકે પરવાનગી આપવામાં લાગતો સમય ઘટાડવાની પણ જાહેરાત કરી છે. સરકારને એવી આશા છે કે આ પગલા દ્વારા યુકેમાં ઉચ્ચ કુશળતા ધરાવતા વિદેશી કર્મચારીઓ લાવવા માટે કંપનીઓને પ્રોત્સાહન મળશે.
સરકારે જણાવ્યું હતું કે, એઆઇ, ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ અને સેમી કન્ડક્ટર્સ જેવા સેક્ટરમાં વિદેશથી આવતા રિસચર્સ અને એકેડેમિક્સને વિઝા ફી રિફંડનો લાભ અપાશે.
દાવોસ ખાતે વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં રીવ્ઝે જણાવ્યું હતું કે, આજના અંધાધૂંધીભર્યા વિશ્વમાં બ્રિટન અલગ રહેવા માગે છે. બ્રિટનને સ્થિરતા બક્ષવા, વિકાસ માટે જરૂરી મૂડીરોકાણ અને ટેલેન્ટને આકર્ષવા અમારી સરકાર પ્રતિબદ્ધ છે. કેટલાક દેશ તેમને પ્લેટફોર્મ આપી શકે છે પરંતુ બ્રિટન તેમને પ્રગતિ માટે વેગ આપશે. મારો સંદેશ સ્પષ્ટ છે કે બ્રિટનને પસંદ કરો કારણ કે મૂડીરોકાણ માટે બ્રિટન વિશ્વમાં શ્રેષ્ઠ સ્થળ છે.
ટુરિસ્ટ વિઝા ફી 475થી વધારી 506 પાઉન્ડ કરવાની કવાયત
બ્રિટનની સંઘર્ષ કરી રહેલી પબ ઇન્ડસ્ટ્રીને વધુ ફટકો પડે તેવા નિર્ણયમાં સરકાર ટુરિસ્ટ વિઝા ફીમાં વધારો કરવાની તૈયારી કરી રહી છે. પબ ઇન્ડસ્ટ્રીએ ચેતવણી ઉચ્ચારી છે કે ટુરિસ્ટ વિઝા ફી 475 પાઉન્ડથી વધારીને 506 પાઉન્ડ કરાતાં બ્રિટન આવતા પ્રવાસીઓની સંખ્યા પર ગંભીર અસર પડશે. જેના પગલે બ્રિટનની પબ ઇન્ડસ્ટ્રી બરબાદ થઇ જશે. વિઝા ફીમાં વધારાના કારણે પ્રવાસન ઉદ્યોગમાં આવતા 1.5 બિલિયન પાઉન્ડ અટકી જશે જેના કારણે પબ અને હોસ્પિટાલિટી સેક્ટરને મોટો ફટકો પડશે.


