લંડનઃ એસેક્સની એપિંગ ફોરેસ્ટ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલની બેલ હોટેલમાં રાજ્યાશ્રયવાંચ્છુ શરણાર્થીઓને રાખવા પર હાઇકોર્ટે રોક લગાવી દેતાં સર કેર સ્ટાર્મરની સરકારની અસાયલમ યોજનાને મોટો ફટકો પડ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ હોટેલમાં શરણાર્થીઓને રાખવા સામે સ્થાનિકો દ્વારા તાજેતરમાં ભારે વિરોધ પ્રદર્શનો કરાયાં હતાં. હાઇકોર્ટના આ ચુકાદા બાદ અન્ય કાઉન્સિલો દ્વારા પણ સરકારની આ યોજનાને કાયદાકીય પડકાર અપાય તેવી સંભાવના છે. હાઇકોર્ટના આ ચુકાદાને પગલે સમગ્ર ઇંગ્લેન્ડની કાઉન્સિલો પણ હવે રાજ્યાશ્રયવાંચ્છુઓને હોટેલમાં રાખવા સામે અદાલતના દ્વાર ખખડાવવાની વિચારણા કરી રહી છે.
હોમ ઓફિસના વકીલોએ અદાલતને ચેતવણી આપી હતી કે આ ચુકાદો સમગ્ર યુકેની હોટલોમાં રાજ્યાશ્રયવાંચ્છુઓને આશ્રય આપવાની સરકારની ક્ષમતાઓ પર ગંભીર અસર કરી શકે છે. માર્ચના અંત સુધીના આંકડા જોઇએ તો દેશમાં 200 હોટેલમાં 30,000 રાજ્યાશ્રયવાંચ્છુઓને રાખવામાં આવ્યા હતા.
હોમ ઓફિસના આંતરિક સૂત્રોએ સ્વીકાર્યું છે કે આ ચુકાદાને કારણે ડિપાર્ટમેન્ટ મુશ્કેલીમાં મૂકાયો છે. રાજ્યાશ્રયવાંચ્છુના કેસની સમીક્ષા ન થાય ત્યાં સુધી તેમને રહેવાની વ્યવસ્થા આપવાની જવાબદારી હોમ ઓફિસની છે.
ચુકાદા પર પ્રત્યાઘાત આપતા બોર્ડર સિક્યુરિટી મિનિસ્ટર એન્જેલા ઇગલે જણાવ્યું હતું કે, અમે આ ચુકાદાનો કાળજીપુર્વક અભ્યાસ કરીશું. હાલ આ મામલે વધુ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરાવાની સંભાવના હોવાથી તેના પર હાલના તબક્કે કોઇ ટિપ્પણી કરવી અસ્થાને ગણાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહમાં મિસ્ટર જસ્ટિસ આયરેએ રાજ્યાશ્રયવાંચ્છુઓને હોટેલમાં આશ્રય આપવા પર રોક લગાવી હતી. સ્થાનિક કાઉન્સિલ દ્વારા દલીલ કરાઇ હતી કે સ્થળના ઉપયોગમાં બદલાવના કારણે પ્લાનિંગ કાયદાનું ઉલ્લંઘન થયું છે. એપિંગ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલે તાજેતરના વિરોધ પ્રદર્શનોના કારણે રાજ્યાશ્રયવાંચ્છુઓની સુરક્ષા પર પણ ચિંતા વ્યક્ત કરી હતી.
તમામ રિફોર્મ કાઉન્સિલો કાનૂની પ્રક્રિયા શરૂ કરશેઃ નાઇજલ ફરાજ
રિફોર્મ યુકેના નેતા નાઇજલ ફરાજે જણાવ્યું છે કે રિફોર્મ યુકે દ્વારા શાસિત તમામ 12 કાઉન્સિલ એપિંગ કાઉન્સિલની તર્જ પર હોટેલોમાંથી રાજ્યાશ્રયવાંચ્છુઓને હટાવવાની કાનૂની પ્રક્રિયા શરૂ કરશે. તેમણે જણાવ્યું હતું કે, કન્ઝર્વેટિવ શાસિત કાઉન્સિલો પણ આ દિશામાં આગળ વધવાની તૈયારી કરી રહી છે.


