લંડનઃ શેફર્ડ્સ બુશ અને એક્ટન વેલ વચ્ચે આવેલો અક્સબ્રિજ રોડ હાલ સ્થાનિક રહીશો અને એકતરફી વ્યવસાયો વચ્ચેના સંઘર્ષનું મુખ્ય કેન્દ્ર બન્યો છે. ફિક્સ અક્સબ્રિજ રોડ ઝુંબેશ હેઠળ સ્થાનિકોએ એકત્ર થઈને હાઈસ્ટ્રીટમાં વધતી જતી સટ્ટાખોરીની દુકાનો, વેપ સ્ટોર્સ અને ચિકન શૉપ્સના એકચક્રી શાસન સામે અવાજ ઉઠાવ્યો છે. સ્થાનિકોની માંગ છે કે આ વિસ્તારને માત્ર અમુક ચોક્કસ પ્રકારના વ્યવસાયોનો અડ્ડો બનાવવાને બદલે તેમાં વિવિધતા લાવવામાં આવે.
ફિક્સ અક્સબ્રિજ રોડ ઝુંબેશના નાઇજેલ સિંહે જણાવ્યું હતું કે, બજારમાં ભારે અસંતુલન ઊભું થયું છે. અમને વિવિધ વિકલ્પો જોઈએ છે. મની એક્સચેન્જ, મોબાઇલ રિપેરિંગ, ફાસ્ટ ફૂડ અને જુગારના અડ્ડાઓના જમાવડાને કારણે પરંપરાગત દુકાનો ગાયબ થઈ રહી છે. એન્જી એરિગોએ દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અમારી લોન્ડ્રી અને ન્યૂઝએજન્ટની દુકાનો બંધ થઈ ગઈ. હવે મારા ઘરથી માત્ર ત્રણ મિનિટના અંતરમાં પાંચ બાર્બર શૉપ આવી ગઈ છે.
સ્થાનિક રહીશોએ હેમરસમિથ અને ફુલેમ કાઉન્સિલને અક્સબ્રિજ રોડની સ્થિતિ સુધારવા અપીલ કરતી એક અરજી પર આશરે 3,000 નાગરિકોની સહીઓ એકત્ર કરી છે.


