લંડનઃ ભારતીય હાઈ કમિશનર રુચિ ઘનશ્યામે બુધવાર ૨૭ માર્ચ ૨૦૧૯ના રોજ બકિંગહામ પેલેસ ખાતે ક્વીન એલિઝાબેથ દ્વિતીય સમક્ષ પોતાનાં હોદ્દાની કામગીરી માટેના ઓળખપત્રો રજૂ કર્યાં હતાં. આ સમયે ક્વીને NHS માં ૬૦,૦૦૦ ભારતીય ડોક્ટર્સના નોંધપાત્ર યોગદાનની પ્રસંશા કરી હતી.
પોતાનાં હોદ્દાને સંભાળતી વખતે રાજદૂત વિદેશપ્રધાનને મળી દેશના વડા (મહારાણી) સાથે મુલાકાત ગોઠવવાં જણાવે છે. રાજદૂત પોતાના ઓળખપત્રોની મૂળ સીલબંધ અને ખુલ્લી નકલ રાખે છે. આગમનની સાથે આ ખુલ્લી નકલ વિદેશ પ્રધાનને સુપરત કરાય છે અને સીલબંધ પત્ર સત્તાવાર સમારંભમાં દેશના વડાને અંગત રીતે આપવામાં આવે છે. શ્રીમતી રુચિ ઘનશ્યામ ૨૦૧૮ના અંતકાળમાં પોતાનો હોદ્દો સંભાળવા લંડન આવી પહોંચ્યા હતા.
આ સત્તાવાર મુલાકાત પછી શ્રીમતી રુચિ ઘનશ્યામ અને તેમના પતિ મિ. એ.આર. ઘનશ્યામને યુકેની પરંપરા અનુસાર બકિંગહામ પેલેસથી સત્તાવાર મિલિટરી એસ્કોર્ટ્સ સાથે ઘોડાની બગીમાં હાઈ કમિશનરના નિવાસ ૯, કેન્સિંગ્ટન ગાર્ડન્સ લઈ જવાયાં હતાં. અહીં તેઓએ અગ્રણી બિઝનેસમેન્સ હિન્દુજાઓ, લોર્ડ નવનીત ધોળકિયા, લેર્ડ રણબીર સૂરી. લોર્ડ લૂન્બા, બેરોનેસ પ્રશાર, લોર્ડ પોપટ સહિતના મહેમાનો સાથે મુલાકાત કરી હતી.
ફોરેન એન્ડ કોમનવેલ્થ ઓફિસ ખાતે ડાયરેક્ટર ઓફ પ્રોટોકોલ એન્ડ વાઈસ માર્શલ ઓફ ડિપ્લોમેટિક કોર્પ્સ, નીલ હોલાન્ડે આ પ્રસંગે આમંત્રિતોને સંબોધતા જણાવ્યું હતું કે, ‘ઓળખપત્રોની રજૂઆતને ગૌરવ સાથે અભિનંદન. માનનીય હાઈ કમિશનરનું રોકાણ ખુશદાયી પહેશે તેવી આશા છે. ભારત સાથે મહારાણીનો સંબંધ અદ્ભૂત છે. ભારત સાથે ઘણો જૂનો સંબંધ છે અને તેની સાથે આગવી જટિલતાઓ પણ છે છતાં, વર્તમાન સંબંધ અલગ અને ગૌરવશાળી છે. આપણે વેપાર અને ઈન્વેસ્ટમેન્ટ વધારવા તેમજ ત્રાસવાદનો સામનો કરવા સાથે મળી કામ કરીએ છીએ, લોકો વચ્ચેનો સંબંધ વધી રહ્યો છે. ભારતીય ડાયસ્પોરા વિનાના આધુનિક યુકેની આપણે કલ્પના પણ કરી શકતા નથી.’
આ પ્રસંગે બ્લેક સુંદર સાડી અને મોતીઓ વડે સુસજ્જ હાઈ કમિશનરે ક્વીનની હુંફસભર ઊર્જાની સાથે તેમની આતિથ્યભાવનાની પણ પ્રસંશા કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘યુકે અને ભારત વચ્ચે હુફાળા સંબંધો છે- આપણે મજબૂત ભાગીદાર છીએ. જોશપૂર્ણ ડાયસ્પોરા આપણને સાથે જોડી રાખે છે. ડાયસ્પોરા આ બે દેશ વચ્ચે સેતુ બની રહેવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.’