હાઈ સ્ટ્રીટ્સની નોકરીઓ બચાવવા £૩૫ બિલિયનના પેકેજનું દબાણ

Wednesday 03rd February 2021 04:06 EST
 
 

લંડનઃ કોરોના વાઈરસ લોકડાઉન્સના કારણે ભારે આર્થિક માર સહન કરનારી હાઈ સ્ટ્રીટ્સની ૫૦૦,૦૦૦ નોકરીઓ બચાવી શકાય તે માટે ચાન્સેલર રિશિ સુનાક ૩ માર્ચના બજેટમાં ૩૫ બિલિયન પાઉન્ડની રાહતો આપે તેવું ભારે દબાણ થઈ રહ્યું છે. સંઘર્ષ ખેડી રહેલા રીટેઈલર્સ સુનાક પાસે નોકરીઓની રક્ષા તેમજ રેસ્ટોરાં, પબ્સ અને દુકાનોને ખાડે જતી બચાવવા સપોર્ટ પેકેજની આશા રાખે છે. તેઓ બિઝનેસ રેટ્સમાં કાપ, ટાઉન પાર્કિંગ ચાર્જીસને યથાવત રાખવા તેમજ સ્ટોર્સમાં કરાતી ખરીદીઓ પરના VATમાં ૫ ટકાના કાપની માગણી કરે છે.

પરિવારો દ્વારા સંચાલિત અને માલિકીના બિઝનેસીસની જરુરિયાતોની તરફેણ કરતા ‘ઈન્ડિપેન્ડન્ટ બિઝનેસ નેટવર્ક’ના રિપોર્ટમાં રીટેઈલર્સની માગણીઓ જણાવાઈ છે જેમાં, પબ્સ અને રેસ્ટોરાંમાં VAT ઘટાડાને આગળ લંબાવવા, નવી ઈટ આઉટ ટુ હેલ્પ આઉટ સ્કીમ અને આલ્કોહોલ પરના ટેક્સીસ અડધા કરવાનો પણ સમાવેશ થાય છે. ચેરમેન જ્હોન લોન્ગવર્થે કહ્યું હતું કે, ‘સતત કઠોર લોકડાઉન્સથી આપણા હોસ્પિટાલિટી અને હાઈ સ્ટ્રીટ્સ રીટેઈલ સેક્ટર્સને લગભગ ખતમ કરી નાખ્યાં છે. આપણી પબ્સ, રેસ્ટોરાંઝ અને હાઈ સ્ટ્રીટ્સને આર્થિક વિનાશમાંથી બચાવવા ઓછામાં ઓછાં ૩૫ બિલિયન પાઉન્ડનું પેકેજ જરુરી છે જેથી, ૫૦૦,૦૦૦ નોકરીઓ અને પરિવારો દ્વારા સંચાલિત સંખ્યાબંધ બિઝનેસીસને બચાવી શકાય.’

રીટેઈલર્સની મુખ્ય માગણીઓમાં હોસ્પિટાલિટી ફર્મ્સ માટે કોવિડ ઈન્વેસ્ટમેન્ટ રિબેટ (૮૯૦ મિલિયન પાઉન્ડ),વર્તમાન VAT ઘટાડો ૨૦૨૧ના અંત સુધી લંબાવવો (૬.૩ બિલિયન પાઉન્ડ), બ્રિટનના આલ્કોહોલ ટેક્સમાં ૫૦ ટકા સુધી કાપ (૧.૮ બિલિયન પાઉન્ડ), બિઝનેસ રેટ્સ સસ્પેન્શન ૨૦૨૦-૨૧ પછી પણ ચાલુ રાખવું (૧૫ બિલિયન પાઉન્ડ), ફિઝિકલ રીટેઈલર્સ પરનો VAT ૧૪ ટકા સુધી ઘટાડવો (૭.૬ બિલિયન પાઉન્ડ), ટાઉન સેન્ટર પાર્કિંગ ફી સ્થગિત કરવી (૮૭૨ મિલિયન પાઉન્ડ) અને ‘ઈટ આઉટ ટુ હેલ્પ આઉટ’ સ્કીમ ફરી ચાલુ કરવા (૧.૦૮ બિલિયન પાઉન્ડ) સહિતનો સમાવેશ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter